અમદાવાદ: પ્રજાસત્તાક દિવસ ઉજવણી 2021ના ભાગરૂપે, જોધપુર એરફોર્સ સ્ટેશન દ્વારા “નો યોર ફોર્સિસ” થીમ હેઠળ સૈન્ય અસ્કયામતોના પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિવિધ પ્રકારના એરક્રાફ્ટ, શસ્ત્રો અને મિસાઇલો જેવી સૈન્ય અસ્કયામતો આ પ્રદર્શનમાં સામાન્ય જનતા માટે પ્રદર્શન અર્થે રાખવામાં આવ્યા હતા. આ ઉજવણીમાં મુખ્ય કાર્યક્રમોમાંથી એક એરો-મોડલિંગ શો હતો જેમાં Su-30, રાફેલ અને રિમોટલી કંટ્રોલ્ડ હેલિકોપ્ટરો સહિત છ એરક્રાફ્ટ મોડેલ સામેલ કરવામાં આવ્યા હતા. એરો-મોડલિંગ સ્પર્ધા બાળકો માટે પણ યોજવામાં આવી હતી અને વિજેતાઓને RC એરો-મોડલ કિટ્સ સહિત વિવિધ ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સ્ટેશન દ્વારા એરફોર્સ સ્કૂલ અને કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે જાન્યુઆરી 2021ના ત્રીજા સપ્તાહમાં તેમના પરિસંકુલમાં વેબિનાર દ્વારા પ્રેરણાત્મક વક્તવ્યોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને IAFમાં ‘કારકિર્દીની તકો’ માટે પ્રેરણા આપવામાં આવશે. શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે ઇ-પોસ્ટર સ્પર્ધા પણ યોજવામાં આવશે. જોધપુર એરફોર્સ સ્ટેશનના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમડોર પ્રાજૂલસિંહ વાયુ સેના મેડલ, સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામો એનાયત કરશે.