જામનગર: મહિલા વિકાસ અને મહિલા ઉત્થાન માટે સરકાર અનેક યોજનાઓ થકી કામગીરી કરી રહી છે, ત્યારે ગુજરાત સરકારનું મહિલા સુરક્ષા અને મહિલાઓની સહાય હેતુ કામગીરી કરતું સખી વનસ્ટોપ સેન્ટર અનેક મહિલાઓની સખી બની તેમના જીવનના સંઘર્ષમય પડાવોમાં સાચી સખી બની છે. જામનગરમાં પણ સખી વન સ્ટોપ સેન્ટરની સખીઓએ આવી જ ઉમદા ફરજ બજાવી દ્રારકાના માનસિક અસ્વસ્થ ૭૦ વર્ષીય વૃધ્ધાનો પરિવાર સાથે મેળાપ કરાવ્યો છે.
થોડાં દિવસો પહેલા તા.૦૨-૧૨-૨૦૨૧ના રોજ એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ માં કોલ કરીને જામનગર બસ-સ્ટેશન પર અંદાજે ૭૦ વર્ષીય એક અજાણી વૃધ્ધ મહિલા મળી આવેલ હોવાની માહિતી આપવામાં આવેલ હતી. ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ દ્રારા આ મહિલાની માનસિક સ્થિતિ અને હાલની શિયાળાની ઠંડીને ધ્યાને લઇ જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટર પર આશ્રય અપાવવામાં આવ્યો હતો.
“સખી” વન સ્ટોપ સેન્ટર દ્વારા આ વૃધ્ધ મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે, તેમનું નામ રંભાબેન કેશવજીભાઈ નકુમ, ઉંમર-૭૦ વર્ષ છે અને તેઓ દ્વારકાના વતની છે. રંભાબેનએ જણાવેલ કે, તેમને સંતાનમાં ૬ દિકરા છે, તેના દિકરા અને પુત્રવધુ યોગ્ય રીતે રાખતા ન હોવાથી તેઓ ઘરેથી નીકળી ગયેલ અને છેલ્લા ૧૨ મહિનાથી જામનગર બસ સ્ટેશન પર રહેતા હતા. સેન્ટર દ્વારા બહેનનું નિરીક્ષણ કરતા તેઓની માનસિક સ્થિતિ અસ્વસ્થ હોવાથી અને શારીરિક સ્થિતિ પણ સારી ન હોય, બહેન યોગ્ય રીતે ચાલી પણ ન શકતા હોય યોગ્ય સાર-સંભાળ, કાળજી રાખી હતી.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ચંદ્રેશ ભાંભીની સુચના અને માર્ગદર્શન હેઠળ “સખી” વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક હેતલબેન અમેથીયા દ્વારા સોશ્યલ મીડિયાના માધયમથી વૃધ્ધાના ભાઈનો સંપર્ક થઈ જતા, જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટરની ટીમ દ્વારા મહિલાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામમા પોતાના ભાઈ સાથે પુનઃમિલન કરાવ્યું હતું. મહિલાના ભાઇએ કહ્યું હતું કે, વૃધ્ધાનાં દિકરાઓ સરખી રીતે સાચવતા ન હોવાથી તેઓ છેલ્લા અઢી મહિનાથી ઘરેથી નીકળી ગયેલ હતા. સેન્ટર દ્વારા બહેનના ભાઈને યોગ્ય સંભાળ લેવા જ્ણાવેલ હતું અને બહેનના પરીવારજનોએ જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટરનો આભાર માન્યો હતો. આમ, વૃધ્ધ મહિલાનું જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટર દ્વારા વૃધ્ધ મહિલાનું તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું.