સીમાઓને સુરક્ષિત કરવાની સાથે સરહદી ગામડાઓને સુવિધાયુક્ત કરવાની દિશામાં મહત્વનું પગલું એટલે વાયબ્રન્ટ વિલેજ કન્સેપ્ટઃ કેન્દ્રીય મત્સ્યપાલન,પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
કેન્દ્રીય બજેટ અને આત્મનિર્ભર અર્થવ્યવસ્થા વિષયે દીવ ખાતે કેન્દ્રીય મત્સ્યપાલન,પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાએ સંબોધી પત્રકાર પરિષદ
આત્મનિર્ભર ભારતના નારાને ચરિતાર્થ કરનારું, આધુનિક ભારતનો પાયો નાખનારું, યુવાનોની ઉમ્મીદને જગાડનારું, ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપનારું,ખેડૂતોનું સાથી બનનારું અને આરોગ્યના ક્ષેત્રે પણ લોકોને રાહત આપનારું બજેટ એટલે કેન્દ્રીય બજેટ 2022-23. દીવ ખાતે ગણમાન્ય પ્રબુદધ નાગરિકો સાથે સંવાદ સાથે પત્રકાર પરિષદને સંબોધતાં કેન્દ્રીય મત્સ્યપાલન,પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાએ આ વાત કહી હતી. વધુમાં કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું કે બજેટથી સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જેવા અભિયાનોને વેગ મળશે જેનાથી દેશના યુવાનોને ભરપૂર પ્રોત્સાહન પૂરું પડશે.
બજેટ અંગેનાં પ્રાવધાનોથી સ્થાનિક નાગરિકો પરિચિત થાય, બજેટમાં કરેલી જોગવાઇઓથી દેશના ખૂણેખૂણાના લોકો માહિતગાર થાય અને બજેટ અંગેની વિગતો આમ જનતા સુધી પહોંચે તેવા આશય સાથે દીવ ખાતે દીવના ગણમાન્ય પ્રબુધ્ધ નાગરિકોના સંમેલન સાથે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. આ પત્રકાર પરિષદને સંબોધતાં કેન્દ્રીય મત્સ્યપાલન,પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાએ કેન્દ્રીય બજેટ 2022-23 અને આત્મનિર્ભર અર્થવ્યવવસ્થા વિશે જાણકારી પૂરી પાડી હતી. બજેટમાં સમાવિષ્ટ નવી જોગવાઇઓ વિશે વાત કરતાં કેન્દ્રીય મંત્રીશ્રીએ વાઇબ્રન્ટ વિલેજ કન્સેપ્ટને ખૂબ બિરદાવ્યો હતો. દેશનાં સરહદી ગામડ઼ાઓને દેશના વિકાસની મુખ્ય ધારા સાથે જોડવા માટેની જોગવાઇઓ આ બજેટમાં નાણામંત્રીશ્રીએ કરી છે તે બદલ તેમને અભિનંદન આપણાં જણાવ્યું કે સરહદી ગામડા સુધી રસ્તાઓ,વીજળી, ઇન્ટરનેટ જેવી તમામ સુવિધાઓ પહોંચે તેમજ પાંચ-સાત ગામોની વચ્ચે એનસીસીનું તાલીમ કેન્દ્ર પણ બને જેનાથી તે વિસ્તારના યુવાનો તાલીમબધ્ધ રીતે દેશના વિકાસમાં પોતાનો ફાળો આપી શકે તેની જોગવાઇ બજેટમાં કરાઇ તે વાતનો ખૂબ આનંદ છે. જેનાથી દેશની સીમાઓ સુરક્ષિત થશે અને સાથે સાથે સરહદી ગામડાઓ અને તેમાં વસવાટ કરતા લોકોનું જીવનધોરણ પણ ઘણું ઉંચુ આવશે. સરહદી વિસ્તારના નાગરિકોનું જીવન પશુપાલન સાથે જોડાયેલું હોય છે ત્યારે આ બજેટથી દેશના આવા પશુપાલકો માટે પણ આગળ વધવાની ઘણી તકોનું નિર્માણ થશે તેમાં કોઇ બે મત નથી. મત્સ્યપાલન ક્ષેત્ર વિશેની વાત કરતાં કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું કે ફીશીંગ સેક્ટરમાં પ્રથમ વખત 50 જેટલી અદ્યતન માર્કેટ બનાવવાની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. ફીશીંગ સેક્ટરમાં માર્કેટીંગ તરફ અત્યાર સુધી વધારે ધ્યાન અપાતું નહોતું ત્યારે આ બજેટમાં કરેલી નવી જોગવાઇઓથી આ ક્ષેત્રનો ઘણો મોટો લાભ થશે. દીવમાં પણ અદ્યતન માર્કેટ બનાવવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો હોવાની વાત તેમણે જણાવી હતી. સ્ટાર્ટ અપને ખૂબ મોટું બળ આ બજેટમાં મળ્યું હોવાનું જણાવતાં કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું કે દેશમાં 60 હજાર જેટલા સ્ટાર્ટઅપ્સ યુવાનોએ ઉભા કર્યા છે જેમાંથી 40 જેટલાં તો યુનિકોન થઇ ગયા છે. લોકોમાં ઉત્સાહજનક પરિસ્થિતિનું નિર્માણ કરવાની સાથે દરેક ક્ષેત્ર માટે પ્રોત્સાહન પુરું પાડતું આ બજેટ દેશના વિકાસની ગતિને વેગ આપનાર સાબિત થશે.
આ તકે કેન્દ્રીય મંત્રીશ્રીએ ઇન્ડિયન નેવલ શીપ ખુકરીની વિશેષ મુલાકાત પણ લીધી હતી. દેશની આન-બાન-શાન સમુ આઇએનએસ ખુકરી દીવને કેન્દ્ર સરકાર તરફથી મળેલ અનમોલ ભેટ ગણાવતાં તેમણે જણાવ્યું કે ખુકરી પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે જેનાથી દીવના પ્રવાસન ઉદ્યોગને ઘણો મોટો લાભ થશે. બજેટની જોગવાઇઓની સાથે રાષ્ટ્રની ગૌરવગાથા જેવા નૌસેનાના આ ખુકરી જહાજ વિશેની જાણકારી પણ લોકો સુધી પહોંચે અને પ્રવાસીઓ તેને નિહાળે તે માટે લોકો સુધી મીડિયાના માધ્યમથી જાણકારી પહોંચાડવા એમણે પત્રકારોને અનુરોધ કર્યો હતો. દીવ વિશે વધુ વાત કરતાં તેમણે જણાવ્યું કે દેશમાં સમુદ્ર પર પ્રથમ વખત રોપવેની ભેટ પણ દીવને આપવામાં આવી છે. જે વિશ્વભરના પ્રવાસીઓના આકર્ષવામાં સફળ થશે. દીવના કાયાકલ્પ કરવા માટેના અનેક પ્રોજેક્ટ પણ કાર્યરત હોવાની વાત તેમણે જણાવી હતી.