કરોડો શ્રદ્ધાળુઓની પરમ શ્રધ્ધા તેમજ શક્તિ, ભક્તિ અને આસ્થાના પરમ કેન્દ્ર સમાન પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ પરિવાર સાથે ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરી મા જગદંબાના આશિર્વાદ મેળવ્યાં હતાં તથા ગુજરાતનાં વિકાસ માટે પ્રાથના કરી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ મિડીયાને મુલાકાત આપતા જણાવ્યું કે, વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિર સમગ્ર દેશમાં શક્તિપીઠ તરીકે જાણીતું છે. દેશ- વિદેશના અનેક માઇભક્તો, પ્રવાસીઓ, મહાનુભાવો મા જગદંબાના દર્શનાર્થે આવે છે. શ્રાવણ મહિનાના આ પવિત્ર દિવસોમાં આજે મા જગદંબાના આશીર્વાદ અને દર્શન કરવાનો મને સહપરિવાર લ્હાવો મળ્યો છે ત્યારે મા અંબાને પ્રાર્થના કરી છે કે, મા જગદંબા સમગ્ર વિશ્વનું કલ્યાણ કરે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા યાત્રધામ અંબાજી અને સમગ્રના રાજ્યના વિકાસ માટે વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેમણે વન અને પર્યાવરણના વિકાસ અંગે વાત કરતા જણાવ્યું કે, અંબાજી આસપાસનો મોટાભાગનો વિસ્તાર વન વિભાગનો છે. જંગલો- વૃક્ષોનું પર્યાવરણની દ્રષ્ટીજએ ખુબ મહત્વ છે. આ વર્ષે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ વન વિભાગ દ્વારા જિલ્લાકક્ષા, મહાનગરપાલિકાઓ અને તાલુકા કક્ષાએ લોકોને સાથે જોડીને વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે અને રાજ્યમાં ૧૦ કરોડ જેટલાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. વન્યસંપદા સહિત પ્રાણીઓ અને જંગલોનું રક્ષણ કરવા મંત્રીશ્રીએ ગુજરાતની જનતાને અપીલ કરી હતી.
આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી એસ. જે. ચાવડા દ્વારા માતાજીની ચુંદડી અને શ્રીયંત્ર દ્વારા મંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ ભટ્ટજી મહારાજની ગાદી પર જઈને રક્ષા કવચ બંધાવી ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતાં. મંત્રીશ્રીએ મંદિરના વહીવટદાર અને વન વિભાગના અધિકારીઓ સાથે યાત્રાધામ અંબાજી અને આસપાસ વિસ્તારના વિકાસ અંગે ચર્ચા વિચારણા કરી હતી. આ પ્રસંગે મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ, નાયબ વન સંરક્ષકશ્રી મિતેશ પટેલ, અંબાજી રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી પી. એમ. ભૂતડીયા અને શ્રી પી. વી. આંજણા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
પ્રહલાદ પૂજારી અંબાજી