મંત્રીશ્રીએ પોતાના હસ્તકના વિભાગો માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસની ‘‘પૂર્ણેશ મોદી એપ’’ અને વેબસાઇટનો પ્રારંભ કરાવ્યો
અમિત પટેલ.અંબાજી
કરોડો શ્રદ્ધાળુઓની પરમ શ્રધ્ધા તેમજ શક્તિ, ભક્તિ અને આસ્થાના પરમ કેન્દ્ર સમાન પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ નવરાત્રિના પ્રથમ નોરતે ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરી મા જગદંબાના આશિર્વાદ મેળવ્યાં હતાં. મંત્રીશ્રીએ સવારની આરતીમાં ભાગ લઈ ભક્તિભાવપૂર્વક માતાજીની પૂજા અર્ચના કરી હતી. શક્તિ આરાધનાના પર્વ- પ્રથમ નવરાત્રિએ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં પોતાના હસ્તકના વિભાગો માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગની યોજનાઓની માહિતી એક ક્લીકમાં મળી રહે તે માટે ‘‘પૂર્ણેશ મોદી એપ’’ અને વેબસાઇટનો શુભારંભ અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજના હસ્તે કરાવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે, આજે માં અંબેના દર્શનથી મારું જીવન ધન્ય થયું છે, આ સમગ્ર બ્રહ્માંડના રચિયતા શિવ અને શક્તિ છે. શક્તિ ઉપાસનાના નવરાત્રિના પાવન પર્વનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે મા અંબેને પ્રાથના કરી છે કે, દેશના તમામ લોકોનું જીવન નિરોગી અને તંદુરસ્ત રહે તથા લોકોના ઘરમાં સુખ-સમૃધ્ધિ પથરાય. તેમણે જણાવ્યું કે, આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સત્તાના સૂત્રો સંભળ્યાને આજે ૨૦ વર્ષ પૂરા થયા છે. છેલ્લા ૨૦ વર્ષમાં આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદીના સફળ નેતૃત્વમાં ગુજરાતે વિકાસની નવી ઉંચાઇઓ સર કરી છે તથા હાલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં શક્તિશાળી રાષ્ટ્રલનું નિર્માણ થઇ રહ્યું છે. તેમણે કહ્યું કે, મારા હસ્તકના તમામ વિભાગોની યોજનાઓ અને ફરીયાદોના નિવારણ માટે આજે ‘‘પૂર્ણેશ મોદી એપ’’ અને વેબસાઇટનું લોન્ચીંગ મા અંબેની પવિત્ર ભૂમિ અંબાજીથી કરવામાં આવ્યું છે. જેનાથી લોકોનો સમય, શક્તિ અને શ્રમ બચશે તથા આ એપ ના માધ્યમથી લોકો ઘેર બેઠા સેવાઓ મેળવી શકશે. દશેરાના દિવસથી ગુગલ એપમાંથી આ એપ ડાઉનલોડ કરી તેનો લાભ લેવા મંત્રીશ્રીએ લોકોને અપીલ કરી છે.
મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર લોકોની આશાઓ-અપેક્ષાઓ પૂર્ણ કરવા સંપૂર્ણ કટીબધ્ધ છે. તેમણે કહ્યું કે, આજથી પવિત્ર નોરતાના તહેવારોનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે રાજય સરકાર નવરાત્રિના પર્વને અધર્મ પર ધર્મનો વિજય, આતંકવાદ પર માનવતાના વિજયના પર્વ તરીકે મનાવશે. જેમાં સતત નવ દિવસ સુધી રાજયમાં વિવિધ જગ્યાએ સાંસ્કૃતિ કાર્યક્રમો યોજાશે. તેમણે ઉમેર્યુ કે, આસો સુદ એકમ આજથી શરૂ થતા નવરાત્રિના પ્રસંગે પ્રવાસન વિભાગ દ્વારા રાજયમાં આવેલ આસ્થાના પ્રતિકો સમાન માતાજીઓના વિવિધ મંદિરોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજયના ખ્યાતનામ કલાકારો અને ગાયકો દ્વારા રાજયના પ્રચલિત મંદિરોના પટાંગણમાં નવરાત્રિની પારંપરિક ઉજવણી કોવિડ ગાઇડલાઇનને અનુસરીને કરવામાં આવશે. આજે અમદાવાદ ભદ્રકાળી મંદિર ખાતે આદરણીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાંસ્કૃતિ કાર્યક્રમોનો પ્રારંભ કરાવશે તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે પશુપાલન અને ગાૈ સંવર્ધન રાજય મંત્રીશ્રી દેવાભાઇ માલમ ઉપસ્થિત રહ્યાં હતાં. મંત્રીશ્રીઓનું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી એસ.જે.ચાવડાએ મંત્રીશ્રીનું માતાજીનો ખેસ પહેરાવી સ્વાગત કર્યુ હતું.