– દર વર્ષે દિવાળીના સમયે ઉઘરાણા કર્યા બાદ ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં ખાલી બતાવવા પૂરતા દરોડા
– મરચુ અને હળદરમાં મોટાપાયે ભેળસેળ થતી હોવાનું જગ જાહેર હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ખાદ્ય પદાર્થ સહિતની ચીજવસ્તુઓમાં મોટાપાયે ભેળસેળ થતી હોવાનું જગજાહેર છે અને તેમાંય સાબરકાંઠા જિલ્લો ભેળસેળ માટેનું મુખ્ય એપી સેન્ટર હોવા છતાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ભેળસેળને ડામવા માટે કોઇ જ અસરકારક કામગીરી કરવામાં આવતી નથી. દર વર્ષે દિવાળીના સમયે ઉઘરાણા કર્યા બાદ ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં ખાલી બતાવવા પૂરતા દરોડા પાડી નાટક કરવામાં આવે છે. જેના ભાગરૂપે તંત્ર દ્વારા સાબરકાંઠામાં 44 દરોડા પાડી 44 નમુના તેમજ અરવલ્લી જિલ્લામાં 27 દરોડા પાડી 27 નમુના લઇ વાહ વાહ મેળવવાના થયેલા પ્રયાસની નિંદા થઇ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠા ખોરાક અને ઔષધ નિયમન કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચારને લઇ હમેંશા ચર્ચામાં રહે છે. કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રોકડી કરવા સિવાયની કોઇ કામગીરી કરવામાં આવતી નથી. નિયમિતપણે હપ્તાઓની માયાજાળથી જિલ્લામાં ખાદ્ય પદાર્થો તેમજ ખાદ્ય તેલ સહિત મરી મસાલા તેમજ મરચુ અને હળદરમાં મોટાપાયે ભેળસેળ થતી હોવાનું જગ જાહેર હોવા છતાં તંત્ર દ્વારા પોતાની કામગીરી બતાવવા માટે દિવાળીનું ઉઘરાણુ કર્યા બાદ જે વેપારીઓ દિવાળી આપતા નથી તેઓને નિશાન બનાવી દરોડા પાડી કાર્યવાહી થતી હોવાની જિલ્લામાં વ્યાપક બૂમો ઉઠવા પામી છે. દિવાળી બાદ ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં વાહ વાહી મેળવવાના આશયથી ખોરાક ઔષધ નિયમન કચેરી દ્વારા સાબરકાંઠા જિલ્લામાં 44 જેટલા સ્થળોએ દરોડા પાડી 44 નમુના લેવામાં આવ્યા છે. જયારે અરવલ્લી જિલ્લામાં 27 વેપારીઓને ત્યાં દરોડા પાડી 27 નમુના લઇ પરીક્ષણ માટે મોકલી આપ્યુ હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યુ છે.