જામનગર: જામનગરમાં બાલાચડી ખાતે આવેલી સૈનિક શાળામાં 08 ઓક્ટોબર 2021ના રોજ 89મા એરફોર્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ઓડિટોરિયમમાં એરફોર્સ ડેના મહત્વ અંગે ધોરણ XIIના કેડેટ અભિષેક અને કેડેટ માનવેન્દ્ર દ્વારા આપવામાં આવેલા પ્રેઝન્ટેશન સાથે કાર્યક્રમની શરૂઆત થઇ હતી.
આ પ્રસંગે, બાલાચડી સૈનિક શાળાના પ્રશાસક અધિકારી સ્ક્વૉડ્રન લીડર મહેશકુમારે ‘એરફિલ્ડના મૂળભૂત તત્વો’ અંગે માહિતીસભર પ્રેઝન્ટેશન આપ્યું હતું અને એરફિલ્ડ્સ કેવા દેખાય છે તેમજ કેવી રીતે કામ કરે છે તેના વિશે વિગતવાર સમજાવ્યું હતું. ડિસ્પ્લે ટીમ ‘સૂર્યકિરણ’ અને ભારતીય વાયુસેનાના પ્રેરણાત્મક વીડિયો પણ બતાવવામાં આવ્યા હતા જેનાથી કેડેટ્સને ભારતીય વાયુસેનાને વધુ સારી રીતે સમજવામાં મદદ મળી હતી. કેડેટ્સ માટે ભારતીય વાયુસેના અંગે એક રસપ્રદ સવાલ-જવાબ સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંબોધન આપતા, બાલાચડી સૈનિક શાળાના આચાર્ય ગ્રૂપ કેપ્ટન રવિન્દરસિંહે શુભેચ્છાઓ પાઠવી હતી અને દરેકને દિલથી અભિનંદન પાઠવ્યા હતા. પોતાના સંબોધન દરમિયાન મુખ્ય અતિથિએ ભારતીય વાયુસેનાના ઉદય અને તેના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારતીય વાયુસેનાની ભૂમિકા અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે કેડેટ્સને માહિતી આપી હતી કે, જેઓ જો તેઓ ભારતીય વાયુસેનામાં જોડવા માંગતા હોય તો, તેમણે પોતાની પરિસ્થિતિકીય જાગૃતિ વધારવી જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, ભારતીય વાયુસેના ખૂબ જ સુસંસ્કૃત ઉપકરણો અને મશીનો સાથે કામ કરવાની તક પૂરી પાડે છે અને બાલાચડી સૈનિક શાળા કેડેટ્સને આવી તાલીમ લેવા માટે તક પૂરી પાડે છે. તેમણે કેડેટ્સને રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમી (NDA)માં જોડાવા માટે પણ પ્રેરિત કર્યા હતા.
સમાપનમાં શાળાના કેડેટ કેપ્ટન કેડેટ સૂર્યા રે એ આપેલા આભાર વચન બાદ એરફોર્સના ગીત ‘દેશ પુકારે જબ સબકો’ની પ્રસ્તૂતિ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.