દ્વારકા: આદરણીય પ્રધાનમંત્રીએ વર્ષ 2022 સુધીમાં ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’નો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવા માટે કરેલા આહ્વાનને અનુરૂપ ભારતીય તટરક્ષક પ્રદેશ (ઉત્તર પશ્ચિમ) દ્વારા લોકજાગૃતિ કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિકના વિકલ્પો અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા અને “સિંગલ યુઝ પ્લાસ્ટિક”નો ઉપયોગ ટાળવા માટે લોકોને પ્રોત્સાહન આપવા માટે, 09 ઓક્ટોબર 2021ના રોજ ગુજરાતમાં ગાંધીનગર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.
ભારતીય તટરક્ષક દળના 100 કરતાં વધારે કર્મીઓએ “આઝાદીનો અમૃત મહોત્સવ”ને અનુરૂપ યોજવામાં આવેલા આ જાગૃતિ અભિયાનના ભાગરૂપે પોતાની પાસે બેનરો તેમજ પ્લેકાર્ડ રાખીને જાહેર વિસ્તારોમાં કૂચ કરી હતી. લોકજાગૃતિ કૂચનો ઉદ્દેશ ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’ના ઉપયોગની ખરાબ અસરો તરફ લોકોનું ધ્યાન ખેંચવાનો અને પ્લાસ્ટિકના ટકાઉક્ષમ વિકલ્પની જરૂરિયાત અંગે તેમને સંદેશો આપવાનો હતો. આ પ્રસંગે, ગુજરાતમાં વિવિધ સ્થળોએ આવેલા ભારતીય તટરક્ષક એકમો ખાતે પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકના જોખમો અને સમુદ્રી જીવો પર તેના કારણે થતી વિપરિત અસરો અંગે શાળાના બાળકો માટે માહિતીપ્રદ સંબોધન સત્રો યોજવામાં આવ્યા હતા. દ્વારકાના દરિયાકાંઠે ફિશિંગ હેલમેટ્સ સાથે એક બાઇક રેલી યોજવામાં આવી હતી તેમજ માછીમાર સમુદાય સાથે એક સામુદાયિક સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમને સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પો અંગે તેમજ સમુદ્રી પર્યાવરણની પ્રવૃત્તિઓની જાળવણીમાં તેમના યોગદાન વિશે તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા.