છેલ્લાં ૧૫ દિવસથી કોરોનાના દર્દીઓ માટે દરરોજ રૂા. ૫૦ હજારનો ઓક્સિજન સર તખ્તસિંહજી હોસ્પિટલમાં સ્વ-ખર્ચે પૂરો પાડે છે
———————
મેડિકલના વપરાશ માટે ૯૩ ટકાની શુધ્ધતાવાળો ઓક્સિજન જોઇએ, તેના બદલે ૯૯.૯૯ ની શુધ્ધતાવાળો ઓક્સિજન પૂરો પાડે છે
—————
કોરોના માટે જ બંધ કરેલો ઓક્સિજન પ્લાન્ટ ફરીથી શરૂ કર્યો
———–
ગયા વર્ષે કોરોનાની લહેર વખતે ઓક્સિજનની બોટલ રિફિલ કરી આપતાં હતાં, તો આ વખતે બોટલના પરિવહન સાથેના ખર્ચ સાથે દરરોજ ૧૫૦ થી ૨૦૦ ઓક્સિજનની બોટલ પૂરી પાડે છે
————
દેશના સધ્ધર લોકો પોતાની કમાઇનો એક ટકો પણ સખાવતમાં આપે તો આ દેશમાંથી કોરોનાની બિમારીને ભાગવું પડે- કુંટુંબના વડા કપૂર બંસલ
————
જિલ્લા કલેક્ટર અને સર ટી. હોસ્પિટલ દ્વારા તેમની સેવાને બિરદાવતાં પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું
***********
ભારત દેશ સંતો, શૂરા અને સખાવતનો દેશ છે. દેશ પર જ્યારે- જ્યારે આફત આવી પડી છે ત્યારે-ત્યારે આ દેશના ભામાશાઓ કોઇને કોઇ રીતે આગળ આવીને આ દેશને મોટી મુસિબતોમાંથી ઉગારી લીધો છે. વળી, ભાવનગર તો મહારાજા ભાવસિહજીના પ્રજા કલ્યાણના વારસાને અનેરો ઇતિહાસ ધરાવે છે.
આવો જ ઇતિહાસ બોધ આત્મસાત કરેલું ભાવનગરનું ભામાશા કુટુંબ છે.. બંસલ કુટુંબ…. જેમણે કોરોનાની મહામારી જોઇને રૂા.૩૦ લાખના મેડિકલના સાધનોની સહાય કરવાં સાથે પોતાના બંધ પડેલાં ઓક્સિજન પ્લાન્ટને માત્ર શરૂ જ નથી કર્યો પરંતુ આ ઓક્સિજનને સ્વ- ખર્ચે કોરોનાના દર્દીઓની સારવાર માટે ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલ સુધી પહોંચતો કર્યો છે.
અત્યારે દેશમાં કોરોનાની બીજી કહેરમાં કોરોનાના દર્દીઓને મોટાપાયા પર ઓક્સિજનની જરૂર પડી રહી છે ત્યારે બંસલ કુટુંબ દ્વારા ચલાવાતાં ‘શ્રીમતી શાંતિદેવી કાકારામ બંસલ ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા પરિવહન સાથેના ખર્ચ સાથે દરરોજ ૧૫૦ થી ૨૦૦ ઓક્સિજનની બોટલ પૂરી પાડવાની ઓક્સિજનની સેવા સર ટી. હોસ્પિટલ માટે આશિર્વાદરૂપ બની રહી છે તેમ સર ટી. હોસ્પટલના સુપ્રિન્ટેન્ડન્ટશ્રી ડો. જયેશ બ્રમ્હભટ્ટે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, માનવ સેવાનો સાદ સાંભળી આ ફેમિલીએ ઓક્સિજનની સગવડ પૂરી પાડી છે.તદ્ઉપરાંત બંસલ કુટુંબ દ્વારા રૂા.૩૦ લાખના મેડિકલના સાધનોની પણ સહાય કરવામાં આવી છે. તેમની આ સેવાને બિરદાવતાં સર ટી. હોસ્પિટલ દ્વારા તેમનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત તેમની આ માનવ સેવાની કદર કરવાં અને તેમના પ્રયત્નોને બિરદાવવાં જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા દ્વારા પણ આ કુટુંબનું સન્માન કરવામાં આવ્યું હતું.
અલંગ ખાતે શિપબ્રેકિંગ કરવાનો વ્યવસાય કરતાં બંસલ કુટુંબ દ્વારા ગત વર્ષની કોરોનાની લહેરમાં પણ સખાવત કરવાં આગળ આવ્યું હતું અને તે સમયે પણ પોતાની કંપનીનાં ઉપયોગ માટેના ઓક્સિજનને કોરોનાના દર્દીઓના ઉપયોગ અર્થે વિના મૂલ્યે ભરી આપતાં હતાં.
આ વર્ષે તેનાથી એક કદમ આાગળ ચાલી ઓક્સિજનની બોટલો પણ પોતે ખરીદીને પરિવહન ખર્ચ સાથે હોસ્પિટલ સુધી પહોંચાડવાનું અદભૂત સેવા કાર્ય કરી રહ્યાં છે.
કુંટુંબના મોભી એવાં કપૂર બંસલ આ અંગે કહે છે કે, દેશ અત્યારે કોરોનાની મહામારીમાંથી પસાર થઇ રહ્યો છે તેવાં સમયે હાથ પર હાથ ધરીને બેસી રહેવાથી કંઇ નહીં થાય. આજે સમગ્ર દેશ અને રાજ્ય સરકાર દેશના નાગરિકોને કોરોનાની મહામારીથી બચવવાં માટે પ્રયત્નશીલ છે ત્યારે દેશના જવાબદાર નાગરિક તરીકે આપણી પણ ફરજ છે કે, આપણે આપણાં દેશબાંધવોની મદદ કરીએ.
તેઓ વધુમાં કહે છે કે, માનવ સેવા એ જ સાચી પ્રભુ સેવા છે ત્યારે દેશના સંપન્ન લોકો તેમના ભાગની એક ટકા પણ સખાવત કરે તો દેશમાંથી આપણે કોરોનાને ભગાવી દઇએ એટલી તાકાત ધરાવીએ છીએ. જરૂર છે માત્ર આ માટે મદદનો હાથ લંબાવવાની….’ઝાઝાં હાથ રળિયામણા’ના ન્યાયે કોરોનાની મહામારીની મુસિબતના પહાડને પણ આપણે ઉંચકી શકીશું અને તેને મ્હાત આપી શકીશું.
તેમના આ સખાવતી કાર્યમાં તેમના દિકરા રૂબલભાઇ અને ભરતભાઇ પણ સહકાર આપે છે. તેમના દ્વારા સર ટી. હોસ્પિટલને ભવિષ્યમાં પણ ઉપયોગમાં આવી શકે તેવાં ૨૨૦ લીટરનું ફ્રીજ, રોટીમેકર મશીન, ફુડ ડિશ પેકર મશીન, ફુડ ટ્રોલી, ટેબલ ટોપ પલ્સ ઓક્સીમીટર, બી.પી.એલ. ઇ.સી.જી. મશીન, ઓક્સિજન સાથેનું સ્ટ્રેચર, ફુડ બ્લેન્ડર, મિક્ચર, ફ્લોર મિક્સિંગ મશીન, ફુટ ઓપરેટેડ બી.એમ.ડબલ્યુ ડસ્ટબીન, ઇન્ડેન્ટ લારી, ગાદલું- ઓશીકું-ઓઢવાની ચાદર, બી.એમ.ડબલ્યુ. કલેક્શન ટ્રોલી, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, રાઉન્ડ ધ ક્લોક ઓક્સિજન સિલિન્ડર વગેરે સહિતની રૂા. ૩૦ લાખની વસ્તુઓનું દાન કરવામાં આવ્યું હતું.
શ્રી રૂબલભાઇ આ અંગે કહે છે કે, મેડિકલના વપરાશ માટે ૯૩ ટકા શુધ્ધતાના ઓક્સિજનની જરૂર પડે છે. જ્યારે શિપના કટિંગ માટે ૯૯.૯૯ ટકા શુધ્ધતા ધરાવતાં ઓક્સિજનની જરૂર પડે છે. આમ, અત્યારે કોરોનાના દર્દીઓને જરૂર છે તેના કરતાં પણ વધુ શુધ્ધતાના ઓક્સિજનને અમે પૂરો પાડીએ છીએ.
તેઓ કહે છે કે, પ્રથમ વેવ વખતના કોરોનાના લોકડાઉન વખતે ધંધો બંધ રહેવાથી ઓક્સિજનનો પ્લાન્ટ પણ અમે બંધ કરી દીધો હતો. પરંતુ અત્યારની પરિસ્થિતિ જોઇને ફક્ત કોરોના માટે જ અમારો ઓક્સિજનનનો પ્લાન્ટ શરૂ કર્યો છે. ગયા વર્ષે કોરોનાની લહેર વખતે ઓક્સિજનની બોટલ રિફિલ કરી આપતાં હતાં, તો આ વખતે બોટલના પરિવહન સાથેના ખર્ચ સાથે દરરોજ ૧૦૦ થી ૧૫૦ ઓક્સિજનની બોટલ પૂરી પાડીએ છીએ.
કોરાનાની મહામારીના સમયે રાજ્ય સરકાર દ્વારા કોરોનાની સારવાર માટે અનેક સગવડો કરવામાં આવી છે. સમગ્ર તબીબી આલમ કોરોના સામે બાથ ભીડીને તેને હરાવવાં માટે સંકલ્પબધ્ધ બન્યો છે. તેવા સમયે નાગરિક સમાજ દ્વારા પણ આ માટે આગળ આવી ‘રૂ નહીં તો રૂ ની પૂણી’ બની કોરોનાના જંગમાં સહભાગી બની રહ્યો છે. હવે તો કોરોનાએ ભાગવું જ રહ્યું……
રિપોર્ટ બાય વિપુલ બારડ ભાવનગર