Breaking NewsLatest

લોકશાહીમાં લોકોના પ્રતિનિધિઓની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ હોય છે: રાષ્ટ્રપતિ

ગાંધીનગર: ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ (24 માર્ચ, 2022) ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા ખાતે પધાર્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના સ્પીકર નીમાબહેન આચાર્ય અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે પુષ્પગુચ્છ આપીને તેમનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિશ્રીએ ગુજરાત વિધાનસભાના સભ્યોને સંબોધિત કર્યા હતા. પોતાના સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે લોકશાહીમાં જનપ્રતિનિધિઓની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે. વિધાનસભાના સભ્યો તેમના મતવિસ્તાર અને રાજ્યના લોકોના પ્રતિનિધિઓ છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે લોકો તેમને પોતાના ભાગ્યનિર્માતા માને છે. તેમની સાથે લોકોની આશાઓ અને આકાંક્ષાઓ જોડાયેલી છે. લોકોની આ આકાંક્ષાઓને પૂર્ણ કરવાના પ્રયાસો તમામ ધારાસભ્યો માટે સર્વોપરી હોવા જોઈએ.

રાષ્ટ્રપતિ એવા સમયે ગુજરાત વિધાનસભાના સભ્યોને સંબોધિત કર્યા જ્યારે ભારત આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. આ વાતને ટાંકીને રાષ્ટ્રપતિએ કહ્યું કે આઝાદી અને તેના અમૃત મહોત્સવની ઉજવણી કરવા માટે ગુજરાત કરતાં વધુ સારી જગ્યા કોઈ નથી. ગુજરાતના લોકો સ્વતંત્ર ભારતની કલ્પના કરવામાં અગ્રેસર હતા. 19મી સદીના છેલ્લા દાયકાઓમાં દાદાભાઈ નવરોજી અને ફિરોઝ શાહ મહેતા જેવી હસ્તીઓએ ભારતીયોના અધિકારો માટે અવાજ ઉઠાવ્યો હતો. સ્વતંત્રતાના આ સંઘર્ષને ગુજરાતના લોકોનો સતત સહકાર મળ્યો હતો  અને આખરે મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ તે ભારતની આઝાદીમાં પરિણમ્યો.

રાષ્ટ્રપતિએ સંબોધન કરતા કહ્યું કે મહાત્મા ગાંધીએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને માત્ર નેતૃત્વ પૂરું પાડ્યું ન હતું, પરંતુ સમગ્ર વિશ્વને એક નવો રસ્તો, નવી વિચારસરણી અને નવી ફિલસૂફી પણ બતાવી હતી. આજે જ્યારે પણ દુનિયામાં કોઈપણ પ્રકારની હિંસા થાય છે ત્યારે બાપુના સૂત્ર ‘અહિંસા’નું મહત્વ આપણને સમજાય છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, ગુજરાતનો ઇતિહાસ અનોખો છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલની આ ભૂમિને સત્યાગ્રહની ભૂમિ કહી શકાય. સત્યાગ્રહનો મંત્ર સમગ્ર વિશ્વમાં સંસ્થાનવાદ સામે એક અમોઘ શસ્ત્ર તરીકે સ્થાપિત થયો હતો. બારડોલી સત્યાગ્રહ, મીઠાનો સત્યાગ્રહ અને દાંડી કૂચે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામને ન માત્ર નવો આકાર આપ્યો, પરંતુ વિરોધની અભિવ્યક્તિ અને જન આંદોલનના આચરણને પણ એક નવું પરિમાણ આપ્યું.

રાષ્ટ્રપતિએ કહ્યું કે સરદાર પટેલે સ્વતંત્ર ભારતને તેનું એકીકૃત સ્વરૂપ આપ્યું અને વહીવટનો પાયો મજબૂત કર્યો. નર્મદા કિનારે તેમની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, તે તેમની સ્મૃતિમાં કૃતજ્ઞ રાષ્ટ્ર તરફથી માત્ર એક નાનકડી ભેટ છે. ભારતના લોકોના હૃદયમાં તેમનું કદ તેનાથી પણ વધારે ઊંચું છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, ગુજરાતે રાજકારણ ઉપરાંત સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક ક્ષેત્રે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. નરસિંહ મહેતાની આ ભૂમિ પર આધ્યાત્મિકતાનો ઘણો પ્રભાવ રહ્યો છે. તેમનું ભજન “વૈષ્ણવ જન તો તને કહીયે, જે પીડ પરાય જાણે રે” આપણા સ્વાતંત્ર્ય સંગ્રામનું ગીત બની ગયું. તેણે ભારતીય સંસ્કૃતિના માનવતાવાદનો પણ પ્રસાર કર્યો હતો. રાષ્ટ્રપતિએ કહ્યું કે, ગુજરાતની પ્રજાની ઉદારતા એ ભારતીય સંસ્કૃતિનું મુખ્ય લક્ષણ છે. પ્રાચીનકાળથી આ પ્રદેશમાં તમામ સંપ્રદાયો અને સમુદાયોના લોકો ભાઈચારાથી આગળ વધતા રહ્યા છે.

ગુજરાતે આધુનિક યુગમાં વિજ્ઞાન ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું હોવાની વાત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, ડૉ. હોમી જહાંગીર ભાભાને ભારતીય પરમાણુ કાર્યક્રમના પિતા માનવામાં આવે છે, ત્યારે ભૌતિક સંશોધન પ્રયોગશાળાના સ્થાપક ડૉ. વિક્રમ સારાભાઈને ભારતીય વિજ્ઞાન, ખાસ કરીને ભારતના અવકાશ સંશોધનના પ્રણેતા તરીકે સન્માનવામાં આવે છે.

વર્ષ 1960માં રાજ્યની સ્થાપના થયા બાદ ગુજરાત ઔદ્યોગિક એકમો અને નવીનીકરણ દ્વારા વિકાસના પંથે અગ્રેસર રહ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતની ધરતી પર શરૂ થયેલી શ્વેત ક્રાંતિએ પોષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન કર્યું છે. આજે ભારત દૂધના કુલ ઉત્પાદન અને વપરાશની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે. આ સફળતાનો શ્રેય ગુજરાતની દૂધ સહકારી મંડળીઓને જાય છે. તેમણે કહ્યું કે ગુજરાતની સહકારી મંડળીઓની સંસ્કૃતિની સફળતાનો લાભ સમગ્ર દેશમાં પહોંચાડવાના હેતુથી ભારત સરકારે કેન્દ્રીય સહકારી મંત્રાલયની રચના કરી છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે ગુજરાત વિધાનસભાએ આ રાજ્યના સર્વાંગી વિકાસ માટે ઘણાં ક્રાંતિકારી પગલાં લીધાં હતા. ગુજરાત પંચાયત વિધેયક, 1961 અને ગુજરાત ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1961 દ્વારા અનુક્રમે સ્થાનિક સ્વરાજ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં પ્રગતિશીલ પ્રણાલીની સ્થાપના કરવામાં આવી હોવાની વાત પણ તેમણે કરી હતી. તેમણે કહ્યું કે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઍક્ટ, 1999 વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. ભવિષ્યલક્ષી કાયદાઓ બનાવવાની દિશામાં આ વિધાનસભા દ્વારા પસાર કરાયેલ ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ઍક્ટ, 2017 પણ નોંધનીય છે. તેમણે ગુજરાતની બહુઆયામી પ્રગતિમાં ગુજરાતની વર્તમાન અને અગાઉની સરકારો તેમજ ગુજરાત વિધાનસભાના વર્તમાન અને ભૂતકાળના સભ્યોના યોગદાન બદલ પ્રશંસા કરી હતી.

રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વિકાસ મોડલને એક ઉદાહરણ તરીકે જોવામાં આવી રહ્યું છે, જે દેશના કોઈપણ પ્રદેશ અને રાજ્યમાં લાગુ કરી શકાય છે. સાબરમતી રિવરફ્રન્ટ શહેરી પરિવર્તનનું એક મુખ્ય ઉદાહરણ છે. અહીંયા પર્યાવરણને સુરક્ષિત રાખીને સાબરમતી અને તેના રહેવાસીઓ વચ્ચેના સંબંધોને નવો આયામ આપવામાં આવ્યો છે. નદી કિનારે વસેલા દેશના અન્ય તમામ શહેરો માટે આ એક સારું ઉદાહરણ બની શકે છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે પગલાં ભરવાની આપણી ફરજ છે, જેથી વર્ષ 2047માં જ્યારે ભારત તેની શતાબ્દીની ઉજવણી કરી રહ્યું હોય, ત્યારે તે સમયની પેઢી તેમના દેશ પર ગર્વ અનુભવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત સરકાર, રાજ્ય સરકારો અને દેશના નાગરિકો ભારતના શતાબ્દી વર્ષને સુવર્ણયુગ બનાવવાના ઉદ્દેશ્ય સાથે વિકાસના પંથે આગળ વધવાનું ચાલુ રાખશે.

પોતાનું સંબોધન પૂર્ણ કર્યા પછી રાષ્ટ્રપતિ સત્તાપક્ષના તેમજ વિરોધપક્ષના સભ્યોને મળ્યા હતા અને તેમનું અભિવાદન ઝીલ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

1 of 672

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *