પાલનપુર ખાતે સાંસદશ્રી પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ
*********
વ્હાલી દિકરી યોજના અને મહિલા સ્વાવલંબન યોજનાના
લાભાર્થી બહેનોને સહાયનું વિતરણ કરાયું
(માહિતી બ્યુરો, પાલનપુર)
આજે ૮ મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને તથા પાલનપુર ટાઉન હોલ ખાતે સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વ્હાલી દિકરી યોજના અને મહિલા સ્વાવલંબન યોજનાના લાભાર્થી બહેનોને બેબીકીટ અને સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલે મહિલાઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી આ સરકાર મહિલાઓના સશક્તિકરણ માટે સક્રિય અને સંકલ્પબધ્ધ છે. તેમણે કહ્યું કે, સ્ત્રી વિના આ સૃષ્ટિનું સર્જન જ શક્ય નથી ત્યારે સૃષ્ટિની સર્જનહાર સમી મહિલાઓને વંદન કરી તેમને અભિનંદન પાઠવું છુ. સાંસદશ્રીએ કહ્યું કે, પુત્રની ઘેલછામાં આપણે દિકરા-દિકરી વચ્ચે કયાંક ભેદભાવ રાખીએ છીએ. પુત્ર વિના ન ચાલે તેવી આપણી હીન માનસિકતાના લીધે દિકરીઓની ભ્રૂણ હત્યા કરવામાં આવે છે તેને અટકાવવા માટે સરકારે કડક કાયદો બનાવી આ દૂષણને ડામી દેવા કમર કસી છે. મહિલાઓને સામાજિક સુરક્ષા પુરી પાડવા માટે ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન, મહિલાઓ માટે અલગ પોલીસ સ્ટેશનો, પોલીસ ભરતીમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતની જોગવાઇ કરવામાં આવી છે.
સાંસદશ્રી પરબતભાઇ પટેલે કહ્યું કે, એક દિકરી પિયર, મોસાળ અને સાસરું એમ ત્રણ ઘરને ઉજાળે છે. આ દેશની મહિલાઓએ મુખ્યમંત્રી, વડાપ્રધાન અને રાષ્ટ્રાપતિ જેવા સર્વોચ્ચ હોદ્દાઓ પર સેવાઓ આપી તેમની શક્તિનો દેશ અને દુનિયાને પરિચય કરાવ્યો છે. આજે પણ કેટલીય મહિલાઓ સનદી અધિકારીઓ બનીને રાજ્ય અને દેશનો વહીવટ ચલાવે છે ત્યારે આપણે પણ દિકરી-દિકરા વચ્ચે જરાપણ ભેદભાવ રાખ્યા સિવાય તેમનો સમાનતાથી ઉછેર કરીએ, સારું શિક્ષણ અપાવીએ અને તેમની આવતીકાલ સુખી અને સમૃધ્ધ બનાવીએ. તેમણે કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહિલાઓના સશક્તિકરણ માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. મહિલાઓના નામે મિલ્કત ખરીદવામાં આવે તો રજીસ્ટ્રેશન ફી માંથી મુક્તિ આપવામાં આવે છે જેના લીધે આજે રાજ્યની લાખો બહેનો મિલ્કતની માલિક બની છે. સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં મહિલાઓ માટે ૫૦ ટકા અનામતની જોગવાઇના લીધે આજે સ્થાનિક સ્વરાજ્યનો વહીવટ બહેનો સંભાળે છે. તેમણે ઉમેર્યુ કે, આજે તમામ ક્ષેત્રોમાં મહિલાઓનું યોગદાન ખુબ સરાહનીય છે ત્યારે આપણી દિકરીઓને સારું ભણાવીને તેમના સપના સાકાર કરવામાં મદદરૂપ બનીએ.
આ પ્રસંગે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હેતલબેન રાવલે આંતરરાષ્ટ્રી્ય મહિલા દિવસની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે જ્યાં નારીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. આપણી સંસ્કૃતિ નારી શક્તિને પૂજનારી સંસ્કૃતિ છે. તેમણે કહ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહિલા સશક્તિકરણ માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. ગંગા સ્વરૂપા પુનઃલગ્ન યોજના હેઠળ લાભાર્થી બહેનને રૂ. ૫૦,૦૦૦/-ની આર્થિક સહાય અપાય છે. ઉજ્જવલા યોજના હેઠળ દેશની કરોડો બહેનોને ગેસ કનેક્શન આપી ધુમાડા અને બિમારીમાંથી મુક્તિ અપાવી છે જેના લીધે મહિલાઓ હવે સ્વમાનભેર જીવન જીવી રહી છે. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે, વડગામ તાલુકા પંચાયત પ્રમુખશ્રી પરથીભાઇ ગોળ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આઇ.શેખ, મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રીમતી સુલોચનાબેન પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. એસ.એન.દેવ, દહેજ પ્રતિબંધક અધિકારી શ્રીમતી રમીલાબેન, આઇ.સી.ઙી.એસ.ના પ્રોગ્રામ ઓફિસરશ્રી સહિત અધિકારીઓ-પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી