કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ઈઝરાયલના રાજદૂત શ્રી નાઓર ગિલોન વિશ્વઉમિયાધામની મુલાકાતે
વિશ્વઉમિયાધામ ખાતે ઈઝરાયલનું સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપીશુઃ રાજદૂત
અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા(504ફૂટ) જગત જનની મા ઉમિયાના મંદિર ખાતે ઈઝારયલના રાજદૂત પધાર્યા હતા. તા. 18/02/22ને શુક્રવારના રોજ ઈઝરાયલના રાજદૂત શ્રી નાઓર ગિલોન અને ઈઝરાયલના કોન્સેલ્ટ જનરલ શ્રી કોબ્બી શોશાણીએ વિશ્વઉમિયાધામની મુલાકાત લઈ મા ઉમિયાની પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. સંસ્થાની મુલાકાત વખતે ઈઝરાયલના રાજદૂતે વિશ્વઉમિયાધામ ખાતે ‘સેન્ટર ઓફ એક્સલેન્સ’ સ્થાપવા તેમજ તેની સાથે કલ્ચર અને બિઝનેસ એક્સચેન્જ માટે મિનિ ઈઝરાયલ બનાવાવાની સંકલ્પના કરી છે.
ઈઝરાયલ વિશ્વઉમિયાધામના સહયોગથી 5 ગામ દત્તક લેશેઃ શ્રી ગિલોન
ઈઝરાયલના રાજદૂત શ્રી નાઓર ગિલોન વિશ્વઉમિયાધામના પ્રોજેક્ટ વિશે માહિતી મેળવી અભિભૂત થયા હતા. અને તેઓએ ગુજરાતમાં ઈઝરાયલના નવા નવા ઈનોવેશન અને ટેક્નોલોજી પહોંચાડવાનો સંકલ્પ લીધો હતો. રાજદૂતે કહ્યું કે અમે વિશ્વઉમિયાધામના સહયોગથી ગુજરાતના 5 ગામો દત્તક લઈ ઈઝરાયલનું ‘સેન્ટર ઓફ એક્સલન્સ’ સ્થાપીશું. આ સેન્ટર દ્વારા ગુજરાતના લોકોને ઈઝરાયલના લોકો અને સરકાર દ્વારા વિવિધ માર્ગદર્શન અને ટેક્નોલોજીનો લાભ મેળવી શકશે. સાથે જ આવનાર સમયમાં ઈઝરાયલની ખેતી અને સિંચાઈની ટેક્નોલોજીનો ગુજરાતીઓને લાભ મળશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ઈઝરાયલના કોન્સ્યુલેટ જનરલ શ્રી કોબ્બી શોશાણી 4 વખત વિશ્વઉમિયાધામની મુલાકાત લઈ ચુક્યા છે અને ઈઝરાયલ સાથેની પાર્ટનરશીપ વિશે વિગતે ચર્ચા કરી ચુક્યા છે.
ઈઝરાયલના રાજદૂતની મુલાકાતથી ઈઝરાયલ-ગુજરાતના સંબંધો નિકટ આવશેઃ શ્રી આર.પી.પટેલ
ઈઝરાયલના રાજદૂતની મુલાકાત વખતે વિશ્વઉમિયાધામના પ્રમુખશ્રી આર.પી. પટેલે જણાવ્યું હતું કે આ મુલાકાત ગુજરાતના સોશિયોઈકોનોમિકલ સ્તરને વધારશે. ગુજરાતના ગામડાંઓમાં વસતાં પાટીદાર સમાજ અને ખેડૂતો ઈઝરાયલની ટેક્નોલોજીનો લાભ મળશે. આવનાર સમયમાં આપણી ખેતી અને સિંચાઈને સમૃદ્ધ કરી શકીશું. આવનાર સમયમાં સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ઈઝરાયલના લોકો ગુજરાત આવી રહેશે અને માર્ગદર્શન પણ આપશે.