ગુજરાત કાઉન્સીંલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત શ્રી ધર્મ ભક્તિ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા રાષ્ટ્રીય ગણિત દિવસ ની ઉજવણી કરવામાં આવેલ જે અંગે માહિતી આપતા લોકવિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર નરેશભાઇ એન. ગુંદરણીયા એ તેમના પ્રવચનમાં જણાવેલ કે શ્રીનિવાસ રામાનુજનનો જન્મ ૨૨ ડિસેમ્બર ૧૮૮૭ના રોજ મદ્રાસમાં થયો હતો. બાળપણથી જ તેમને ગણિત પ્રત્યે ઘણો લગાવ હતો, રામાનુજન ગણિતમાં સારા નંબરો લાવતા હતા. ગણિતમાં જેટલો રસ હતો તેટલો અન્ય વિષયોમાં નહોતો. પરંતુ તેમને ગણિત સાથે એટલો બધો પ્રેમ હતો કે, તેણે આ વિષયમાં એક અલગ જ ઓળખ બનાવી. માત્ર 12 વર્ષમાં તેણે ત્રિકોણમિતિમાં મહારત મેળવી લીધી.
3 વર્ષની ઉંમરે તેઓ લંડન યુનિવર્સિટીના પ્રોફેસર એસ. આલે. લોનીનું ત્રિકોણમિતિ પરનું વિશ્વ વિખ્યાત પુસ્તક વાંચીને, તેણે પોતાનો ગાણિતિક સિદ્ધાંત બનાવ્યો. તેમણે કોઈની મદદ વિના ખૂબ જ નાની ઉંમરે ઘણા પ્રમેયની રચના કરી. આ વિશેષ યોગદાન માટે ભારત સરકારે તેમને અનેક સન્માનોથી સન્માનિત કર્યા. આ પછી તેણે ઘણા નવા ગાણિતિક સૂત્રો લખ્યા. શ્રીનિવાસ રામાનુજનનું 26 એપ્રિલ 1920 ના રોજ ખૂબ જ નાની ઉંમરે (33 વર્ષ) ટીબી રોગને કારણે અવસાન થયું. 26 ફેબ્રુઆરી 2012ના રોજ, તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહે મદ્રાસ યુનિવર્સિટીમાં ભારતીય ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની 125મી જન્મજયંતિની ઉજવણીના ઉદઘાટન સમારોહ દરમિયાન 22 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસની જાહેરાત કરી હતી.
ત્યારબાદ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે તથા ચગિયા પ્રાથમિક શાળા – ચગિયા મુકામે આયોજિત કાર્યક્રમમાં ગણિત પઝલ, ગાણિતિક રમકડા, વૈદિક ગણિત, નિબંધ સ્પર્ધા, ગણિત મોડેલ વર્કશોપ, ફિલ્મ શો, વકૃત્વ સ્પર્ધા જેવા વિવિધ આયોજનો કરવામાં આવેલ. જેમાં તજજ્ઞ તરીકે વિજયભાઈ કોટડીયા, કકુભા રાઠોડ, ધર્મેશભાઈ મકાણી, પ્રવીણભાઈ મલ્લી હાજર રહ્યા હતા. આ ચાર દિવસીય કાર્યક્રમના અંતે તમામ સ્પર્ધાના વિજેતા પ્રથમ ત્રણ સ્પર્ધકોને ઇનામ, શિલ્ડ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમમાં લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
રિપોર્ટ પાયલ બાંભણિયા ગીર સોમનાથ