Breaking NewsLatest

સંકલ્પ વડે સિદ્ધિ મેળવતો યુવા ગુજરાતી. અમદાવાદનો હોનહાર યુવા સેડ્રિક નૌકાદળમાં અધિકારી તરીકે જોડાતા યુવાઓ માટે સફળતાનું ઉદાહરણ બન્યો

અમદાવાદ: મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતની નિર્ણાયક સરકાર ગુજરાતના હોનહાર યુવાઓને N.C.C. અને N.S.S. જેવી રાષ્ટ્રનિર્માણ અને દેશસેવાની પ્રવૃત્તિઓમાં જોડાવા માટે તમામ પ્રોત્સાહન આપી રહી છે. તાજેતરમાં જ સરકાર દ્વારા ગુજરાતના તટવર્તી અને સીમાવર્તી ક્ષેત્રોમાં NCC units પણ વધારવામાં આવી છે.તેવા સમયે અમદાવાદના સેડ્રિક સિરિલે N.C.C.ના માધ્યમથી ભારતીય નૌકાદળમાં અધિકારી તરીકે જોડાઇને માતૃભૂમિ ગુજરાત અને ગુજરાતીઓને અપાર ગૌરવ અપાવ્યું છે.

સેડ્રિકની આ સિદ્ધિ ગુજરાત સરકારના યુવા પ્રોત્સાહન થકી રાષ્ટ્રનિર્માણ અને રાષ્ટ્રસેવાના અભિગમની પરિચાયક છે. આ સિદ્ધિ એ પણ દર્શાવે છે કે ગુજરાતીઓ માત્ર વેપાર-ધંધામાં જ હોનહાર નથી, પણ પોતાની કુનેહ, ઉત્કૃષ્ટતા અને બુદ્ધિક્ષમતાથી સશસ્ત્ર દળોમાં પણ જોડાઇ શકે છે.

પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી માટે માદરેવતન અમદાવાદ આવેલા સેડ્રિકે જણાવ્યું હતું કે પહેલા તેનો વિચાર મર્ચન્ટ નૅવીમાં જોડાવાનો હતો, પણ પિતાએ એના બદલે નેવીમાં જઇને દેશ માટે કંઈક કરવા પ્રોત્સાહિત કર્યો. બસ પછી તો પૂછવું જ શું? સેડ્રિકે પોતાના આ સ્વપ્નને પૂર્ણ કરવા બાળપણથી જ કમર કસી લીધી હતી.
દેશ સેવાના સ્વપ્ન સાથે જ સેડ્રિક અમદાવાદમાં આવેલા NCCના ‘1 ગુજરાત નૅવલ યુનિટ’માં જોડાયો અને તેના સ્વપ્નએ હકીકતનું રૂપ ધારણ કરવા તરફ પ્રયાણ કર્યું. સેડ્રિકે ‘1 ગુજરાત નૅવલ યુનિટ’ની મુશ્કેલ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન દર્શાવીને ટોપ કર્યું હતું. આ યુનિટમાં જ સેડ્રિકે ત્રણ વર્ષની N.C.C.ની તાલીમ પૂરી કરી. આ તાલીમ દરમિયાન સેડ્રિકે ચાર કૅમ્પ કર્યાં, જે પૈકી તિરૂપતિ ખાતે યોજાયેલા નૅશનલ કૅમ્પમાં સેડ્રિકને ઉત્તમ પ્રદર્શન માટે ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત થયો. આ સફળતાએ સેડ્રિકને વધુ પ્રોત્સાહન પ્રદાન કર્યું હતું.

માતૃભૂમિ માટે કંઈક કરવાની ચાહત સેડ્રિકને એન.સી.સી.થી નૅવીમાં એક અધિકારીના પદ સુધી લઇ ગઇ. સેડ્રિકે N.C.C.ની ત્રીજા વર્ષના અંતે લેવાતી ‘C’ સર્ટિફિકેટની પરીક્ષા આલ્ફા ગ્રેડ સાથે પાસ કરીને ગુજરાત સ્ટેટમાં  પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.

‘C’ સર્ટિફિકેટની પરીક્ષામાં મળેલી ઉત્તમ સિદ્ધિએ સેડ્રિક માટે ઇન્ડિયન નેવીના દરવાજા ખોલી નાખ્યાં. અહીં ખાસ નોંધવું જરૂરી છે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા લેવાતી કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસિઝ (C.D.S.) પરીક્ષામાં N.C.C. થકી આવતા કેડેટ માટે છ બેઠક અનામત હોય છે, મતલબ કે N.C.C. થકી આવેલા હોનહાર ઉમેદવારને C.D.S.ની પરીક્ષા પાસ કરવી પડતી નથી અને સીધો જ તાલીમમાં પ્રવેશ મળે છે. સેડ્રિકે N.C.C. માટે જે છ સીટ આરક્ષિત હોય છે તે પૈકીની એક બેઠકમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સિલેક્શન સેન્ટર સેન્ટ્રલ ભોપાલ – 20 સર્વિસિઝ સિલેક્શન બોર્ડ ખાતે સાત-આઠ દિવસ સુધી ચાલતા ઉમેદવારોના સઘન તબીબી પરીક્ષણ(SSB) માં પણ સેડ્રિક N.C.C. એન્ટ્રી પૈકી પ્રથમ ક્રમ મેળવીને સિલેક્ટ થયો હતો. કેરળના એઝીમલામાં આવેલી ઇન્ડિયન નૅવલ અકાદમીમાં સેડ્રિકે એક વર્ષની તાલીમ મેળવી.

સેડ્રિકની માતૃભૂમિની સેવા કરવાની ઝંખનાએ સેડ્રિકને સફળતા અને ઉત્કૃષ્ટતાના શિખરે પહોંચાડ્યો અને નવેમ્બર 2020માં કેરળના એઝીમલામાં ઇન્ડિયન નૅવલ અકાદમી (INA)માં યોજાયેલી શાનદાર પાસિંગ આઉટ પરૅડમાં ભારતીય સેનાના વડા જનરલ મનોજ મુકુંદ નરવાણેએ નેવી ઓરિએન્ટેશન કોર્સ (એક્સ્ટેન્ડેડ) માટે સેડ્રિક સિરિલને *‘ચીફ ઑફ ધ નૅવલ સ્ટાફ ગોલ્ડ મેડલ’* એનાયત કરાયો હતો. નેવલ અકાદમીનો તાલીમનો તબક્કો પૂરો થયા બાદ હવે કોચીમાં 27 ડિસેમ્બરથી સેડ્રિકની આગામી ‘C’ ટ્રેનિંગ શરૂ થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે સેડ્રિકના મોટાભાઈ અને ભાભી પણ સેનામાં અધિકારી તરીકે કાર્યરત્ છે અને સેડ્રિકના માતા પણ N.C.C.માં ભાગ લઇ ચૂક્યા છે, તેથી સેડ્રિકને સહજતાથી દેશ સેવાના સંસ્કાર મળ્યાં હતાં.
સેડ્રિકના માતા શ્રીમતી તાજી સિરિલ જણાવે છે કે “સંતાન ડિફેન્સ સેવામાં જોડાય એ જ મારું સ્વપ્ન હતું. કોઇને કોઇ વ્યક્તિના સંતાને તો દેશ સેવામાં જોડાવાનુ જ હોય છે, મારા સંતાન દેશ સેવામાં જોડાયા છે જેનો મને ગર્વ છે.”
સેડ્રિકના પિતા લુકોસ સિરિલ કહે છે કે “સેડ્રિક બાળપણથી જ તેજસ્વી હતો. તે નાનપણથી જ ડિફેન્સ બેકગ્રાઉન્ડથી વાકેફ હતો, તેથી જ બાળવયથી જ તેના દિલમાં દેશસેવાની જ્વાળા આકાર લેવા લાગી હતી. આજે મારા સંતાનો મારાથી ભલે દૂર છે પણ દેશ માટે કામ કરે છે તેનો મને ગર્વ છે.”
આજે સેડ્રિક સમગ્ર અમદાવાદ નહીં પણ સમગ્ર ગુજરાતના સૈન્ય સેવાઓમાં જોડાવા ઇચ્છુક હોનહાર યુવાઓ માટે સફળતાનું ઉદાહરણ બન્યો છે. દેશ સેવાના સંકલ્પ સાથે સેડ્રિકે ગુજરાતમાં એક નવી મિસાલ પ્રસ્થાપિત કરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 681

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *