અમદાવાદ: સમગ્ર વિશ્વમાં આકસ્મિક આવી પડેલી કોરોના મહામારીને કારણે લોકડાઉન અને શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું હતું. આ મહામારીને કારણે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર ૯ મહિનાનું લાંબુ વેકેશન લાગું કરવામાં આવ્યુ હતું. પરતુ હવે રાજ્યમાં કોરોનાની તીવ્રતા ઓછી થતા અને રિકવરી રેટ વધતાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને શાળામાં ઓનલાઇન શિક્ષણની સાથોસાથ આજથી ઓફલાઈન શિક્ષણ શરું કરવામાં આવ્યું છે.
સાણંદ ખાતે આવેલ શેઠ સી.કે.હાઈસ્કૂલમા ધો ૧૦/૧૨ ના ૮૫ વિધાર્થીઓને પુનઃ પ્રવેશ આપતા રાજ્ય શિક્ષણમંત્રી શ્રીમતિ વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે: “ગુજરાત રાજ્યમાં માર્ચ – ૨૦૨૦ ના છેલ્લા અઠવાડિયાથી શાળા-કોલેજોમાં ખૂબ જ લાંબુ નવ માસ કરતા વધારે સમયનું વેકેશન લાગુ કરવામાં આવ્યું હતુ. જે વિદ્યાર્થીઓના માતા-પિતાએ સંમતિ આપી છે તેવા જ વિધાર્થીઓ શાળામા આવીને અભ્યાસ કરશે. જયારે અન્ય બાકી વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી શકશે.
આ પ્રસંગે વિભાવરીબેન દવેએ વર્ગખંડની મુલાકાત દરમ્યાન વિદ્યાર્થીઓએ બંને હાથને સેનેટાઈઝર કેવી રીતે કરવા તેની જાણકારી આપી હતી તદુપરાંત વિદ્યાર્થીઓને પાણીની બોટલ કે નાસ્તો એકબીજાને શેર ન કરવા ખાસ સુચના આપી હતી. શાળાના આચાર્ય અને શિક્ષકગણોને પણ વિદ્યાર્થીઓમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેનું ખાસ ધ્યાન રાખવા કહ્યું હતું.
નવ મહિનાના લાંબા અંતરાલ બાદ શાળાઓ ખુલતા વિદ્યાર્થીઓમા ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે શાળાનાં આચાર્યશ્રી મુકુંદભાઇ પટેલ, અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના ગ્રામ્યના DEO શ્રી રાકેશભાઇ વ્યાસ,સાણંદ તાલુકાના ધારાસભ્ય શ્રી કનુભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા,.