અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં ૫૩ મું અંગદાન થયું છે. અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા ૫૯ વર્ષીય હીરાબેન કણઝારીયાને બ્રેઇનહેમરેજ થતા પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો. બ્રેઇનડેડ હીરાબેનના અંગદાન થી ત્રણ પીડિત દર્દીઓના જીવનમાં સુખનો દીપ પ્રગટ્યો છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગોના રીટ્રાઇવલમાં મહત્વની ભૂમિકા અદા કરતા ડૉ. નિલેશ કાછડીયા પોતાના શબ્દોમાં વર્ણવે છે કે, જ્યારે આપણે કોઈક ફિલ્મ જોવા જઈએ ત્યારે તેનો પ્રારંભ જેટલો સરસ હોય તેટલો જ અંત પણ સરસ બને તે આપણે સૌને ગમે… એવું જ કંઇક જીંદગીનું છે… જન્મ થાય એટલે સમગ્ર ઘર અને પરિવારમાં ખુશીનો માહોલ સર્જાય અને મૃત્યુ સમયે શોક… જીન્મ અને મૃત્યુ જીંદગીનો એક ભાગ છે પરંતુ આ બંને વચ્ચે જો સુખદ અંતની પરિભાષા કોઇ બની હોય તો તે છે અંગદાન….. મૃત્યુ બાદ પણ અંગદાન થકી અન્યોના જીવમાં જીવંત રહેવું તેનાથી સુખદ અંત વળી અન્ય કોઇ હોઇ શકે ખરો….!
હીરાબેન બળદેવભાઈ કણઝારીયાએ પોતાના બાળકોને સમાજસેવા અને જનઉપયોગી જીવન જીવવાના સંસ્કારનો સિંચન કર્યું.. જીવનના અંતિમ સમયમાં જાણે પોતાને ખ્યાલ આવી ગયો હોય કે હવે લાંબુ સમય જીવી શકાશે નહીં માટે સવાર-સાંજ નિત્યક્રમ ગીતાનો પાઠ કરતા અને જીવન ની બધી જ મોહ માયાથી ઉપર ઉઠી ચુક્યા હતા.
આ દરમિયાન એક દિવસ અચાનક બ્રેઇન હેમરેજ થવાથી તેઓ બેભાન થઇ ગયા.પરિવારજનો ચિંતીત બનતા ઘડીનો પણ વિલંબ કર્યા વિના સારવાર માટે સિવિલ હોસ્પિટલ માં લઇ પહોંચ્યા. સિવિલ હોસ્પિટલના તબીબોની અથાગ મહેનત છતા પણ હીરાબેનને બચાવી ના શકાયા. અંતે ૧૫/૪/૨૦૨૨ ના સાંજે ૬ વાગે તબીબો દ્વારા હીરાબેનને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા.
હીરાબેનના દીકરા સંદિપ કે જેઓ ચાર વર્ષથી દાહોદ ખાતેની ઝાયડસ મેડિલ કૉલેજ અને હોસ્પિટલમાં બાયોકેમેસ્ટ્રી વિભાગમાં ટ્યુટર તરીકેની ફરજ બજાવી રહ્યા છે તેમને સિવિલ હોસ્પિટલની SOTTO ની ટીમના તબીબો અને કાઉન્સેલર્સ દ્વારા બ્રેન ડેડ હોવાની જાણ કરવામાં આવી. એક ક્ષણ માટે આ સમાચાર સાંભળીને પરિવારનજનોના ચહેરા ના ભાવ બદલાયા અને બધા સ્તબ્ધ થઇ ગયા.
તબીબોએ પરિવારજનોને અંગદાનની પણ સમજ આપી.સંદિપભાઇના જણાવ્યાનુસાર માતા જ્યારે આઇ.સી.યુ.માં એડમિટ હતા ત્યારે તેમને સિવિલ હોસ્પિટલના આઇ.સી.યુ.માં અંગદાન અંગેના પોસ્ટરમાં લખેલી વિગત વાચીં હતી. જેના પરિણામે પરિવારજનોએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના અંગદાન માટે સંમતિ આપી.
અંગદાનની સંમતિ મળતા તબીબોએ રીટ્રાઇવલની પ્રક્રિયા આરંભી. ભારે જહેમતના અંતે બ્રેઇનડેડ હિરાબેનના બે કિડની અને એક લીવર મેળવવામાં સફળતા મળી. તબીબોએ હ્યદયનું દાન મેળવવાના વારંવાર પ્રયત્નો કર્યા પરંતુ ટેકનીકલ કારણોસર તે શક્ય બન્યુ નહીં.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના મહાયજ્ઞમાં આજે 53 મી કડી ઉમેરાઇ છે. સમાજમાં દિવસેને દિવસે અંગદાન પ્રત્યે જનજાગૃતિ પ્રવર્તી રહી છે.
સિવિલ હોસ્પિટલમાં 53 અંગદાતાઓના મળેલા 161 અંગોએ 143 લોકોને નવજીવન આપ્યું છે. આગામી સમયમાં કોઇપણ જીવીત વ્યક્તિએ અંગનું દાન કરવુ પડે નહીં. રાજ્યમાં બ્રેઇનડેડ થતા દર્દીઓના મળેલા અંગોના દાન થી અંગોના પ્રત્યારોપણ માટે વેઇટીંગ ઘટે તે દિશામાં અમદાવાદ સિવિલ હોસ્પિલ કટીબધ્ધ છે.