Breaking NewsLatest

સુશાસન સપ્તાહની ઉજવણીનો છેલ્લો દિવસ

ભાવનગર ખાતે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત ખાતમુહૂર્ત તથા લોકાર્પણ અને સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો
———
ભાવનગરના સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળ દ્વારા ભાવનગરની સમરસ ગ્રામ પંચાયતોને સાંસદ નિધિમાંથી રૂ. બે લાખનું  પ્રોત્સાહક અનુદાન આપવાની જાહેરાત
———
મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે સમરસ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોને પ્રમાણપત્ર તથા પ્રોત્સાહક અનુદાન તથા સહાય જૂથોને સહાય અર્પણ કરાઈ
———
વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચાડી સ્વચ્છ, સુંદર અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવું છે-શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયા
———
સેવાની સુવાસ વર્ષો સુધી મહેકતી રહે તેવા કાર્યો કરવાં નવનિયુક્ત સરપંચોને અનુરોધ કરતાં મંત્રીશ્રી
———-
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી વિનોદભાઇ મોરડીયાએ જણાવ્યું છે કે, વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચાડી સ્વચ્છ, સુંદર અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવું છે.

ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત ખાતમુહૂર્ત તથા લોકાર્પણ અને સહાય વિતરણના કાર્યક્રમમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, સ્વ. પંડિત દીનદયાળ ઉપાધ્યાયે પ્રબોધેલા અને સ્વ. વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી પ્રશસ્ત કરેલાં  સુશાસનના માર્ગે આગળ વધતાં રાજ્ય સરકાર વિવિધ પ્રજાલક્ષી યોજનાઓના લાભ સીધેસીધા લોકોને પહોંચાડી રાજ્યનો સર્વાંગી વિકાસ થાય તે માટે કટિબદ્ધ છે.

આજે ગુજરાતના તમામ ગામો વિકાસથી ધમધમી રહ્યાં છે.રોડ, રસ્તા, ગટર,પાણી તમામ બાબતો માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને હજુ પણ કોઇ સુવિધા બાકી હોય તો તે માટેની કાર્ય યોજના લઈને આવે તો તે માટે રાજ્ય સરકાર દ્વારા ફંડની કોઈપણ પ્રકારની કમી ન રહી જાય તે રીતે મંજૂરી અને ત્વરિત સુવિધાઓ ઉભી કરવાનો ઉપક્રમ સુશાસનને લીધે ઉભો કર્યો છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કાશ્મીરમાંથી કલમ- ૩૭૦ની નાબૂદી, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, કાશીમાં કાશીવિશ્વનાથ મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ સર્જીકલ સ્ટ્રાઈક જેવાં પગલાઓ દ્વારા ભારતે આજે વૈશ્વિક ઓળખ ઊભી કરી છે.

નવનિયુક્ત ચૂંટાયેલા સરપંચોને અનુરોધ કરતાં તેમણે જણાવ્યું કે, તમે તમારા સમયગાળા દરમિયાન એવાં કાર્યો કરીને જાઓ કે જેથી તમારી સેવાની સુવાસ વર્ષો સુધી મ્હેકતી રહે.લોકો તમારા કાર્યોને યાદ કરતાં રહે.

વર્તમાન સરકારે સરપંચોને એવો મોભો અને સત્તા આપી છે કે સંસદ સભ્યશ્રી કે મંત્રીશ્રીએ પણ તેમની શેરી મહોલ્લામાં કાર્ય કરવા માટે સરપંચ પાસે જવું પડે.જ્યારે રાજ્ય સરકારે સરપંચને આવું પદ અને પ્રતિષ્ઠા આપી છે ત્યારે સરપંચો પણ ગામડું ધબકતું થાય તે માટે કાર્ય કરે તે આજના સમયની જરૂરિયાત છે.

ગામના સરપંચોએ માત્ર પાણી, ગટર, રસ્તાથી અટકી જવાનું નથી. પરંતુ ગામમાં ઓર્ગેનિક ખેતી થાય, પ્રાકૃતિક ખેતી પર ભાર મુકાય તે માટે પણ કાર્ય કરવાનું છે. જો આપણે પ્રાકૃતિક ખેતી અપનાવીશું તો આપનું શરીર, મન તંદુરસ્ત રહેશે અને આપણે હંમેશા નીરોગી બની રહીશું.

શહેરી લોકો પણ ઓર્ગેનિક આહાર પર ભાર મૂકી રહ્યાં છે. તેનાથી ગામડાંના ખેડૂતોને તેમની ઉપજનો પૂરતો ભાવ મળશે અને તે રીતે તેમને પ્રોત્સાહન મળશે.

તેમણે જણાવ્યું કે, સત્તા એ સેવાનું સાધન છે અને તેનો ઉપયોગ કરીને છેવાડાના માનવી સુધી પહોંચીને સ્વ.પંડિત દીનદયાળ ઉપાધ્યાયના અંત્યોદયના વિચારને વાસ્તવમાં ચરિતાર્થ કરવાનો છે. માં ભારતી વિશ્વના શિખરે બિરાજે અને સૌનું કલ્યાણ થાય તેવી મંગલ કામના પણ તેમણે આ વખતે વ્યક્ત કરી હતી.

મંત્રીશ્રીએ  ઉજ્વજ્વલા યોજના, વેસ્ટેજ પાણીના નિકાલ, પીવાના પાણી, નલ સે જલ વગેરે યોજનાઓની વિસ્તૃત સમજ આ તકે પૂરી પડી હતી.

ભાવનગરના સાંસદ શ્રીમતી ડૉ.ભારતીબેન શિયાળે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સરપંચ તરીકે ચૂંટાયેલા સરપંચ અને સભ્યોને અભિનંદન આપતાં જણાવ્યું કે, દેશના પંચાયતના ત્રિસ્તરીય માળખામાં ગામડું સૌથી છેલ્લું પણ મહત્વનું એકમ છે.

તેમણે સાંસદ સ્વનિધિમાંથી ભાવનગરના સમરસ થયેલાં ગામોને રૂ.બે લાખનું વધારાનું ખાસ અનુદાન આપવાની જાહેરાત કરી હતી.

ગામ પંચાયતની ચૂંટણીઓ રસાકસી ભરી હોય છે. આ ચૂંટણીઓને કારણે મતભેદો- મનભેદ પણ થતાં હોય છે. આ બધું ન થાય તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તે સમયે સમરસ પંચાયતનો ખ્યાલ વ્યાપક કર્યો હતો અને જે પંચાયતો સમરસ બને તેને ખાસ અનુદાન આપી પ્રોત્સાહન આપવાનો અભિગમ અપનાવ્યો હતો.

તેમણે જણાવ્યું કે, સમરસ ગ્રામ પંચાયતથી ગામમાં સારા વિચારોનો પ્રાદુર્ભાવ થાય છે, સુમેળભર્યું વાતાવરણ સર્જાય છે અને પૂ.ગાંધીબાપુએ કલ્પેલા ગ્રામોદય અને સર્વોદયની ભાવના ચરિતાર્થ થાય છે.

જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલે તેમના સરપંચ તરીકેના અનુભવો વર્ણવી સરપંચ તરીકે  લોકોપયોગી કાર્યો કરતા રહી અને પાયાના પથ્થર બનીને કાર્ય કરવા નવનિયુક્ત સરપંચોને શીખ આપી હતી.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં રૂ.૧ કરોડના ખર્ચે વિવિધ લોકાર્પણ અને ખાતમૂહૂર્ત થવાના છે. મનરેગા હેઠળ ૩.૫ કરોડના કાર્યો થવાનાં છે. તેમજ ૯ સ્વ-સહાયની જૂથોની બહેનોને રૂ. ૩૯ લાખની સહાય પૂરી પાડવામાં આવનાર છે.

આ ઉપરાંત આજે ભાવનગર જિલ્લામાં સમરસ બનેલી ૬૯ ગ્રામ પંચાયતોને રૂ.૪.૫૦ કરોડની પ્રોત્સાહક રકમ પણ મળશે.

આ બધી સહાય દ્વારા રાજ્ય સરકાર વાસ્તવમાં સુશાસન દ્વારા છેવાડાના માનવી સુધી લઈ જઈ રહી છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ અવસરે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે સમરસ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોને પ્રમાણપત્ર તથા પ્રોત્સાહક અનુદાન તથા સહાય જૂથોને સહાય અર્પણ કરાઈ હતી.

આ અવસરે મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયા,પૂર્વ મંત્રી સુશ્રી વિભાવરીબેન દવે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી ધીરુભાઈ ધામેલીયા, જિલ્લા ભાજપના પ્રમુખશ્રી મુકેશભાઈ લંગાળીયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી ઘનશ્યામસિંહ દિહોરા,કલેકટરશ્રી યોગેશ નિરગુડે સહિતના પદાધિકારીઓ- અધિકારીઓ  અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 641

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *