વસંત પર્વથી સેંકડો ગાયત્રી સાધકો કરશે સામુહિક અનુષ્ઠાન સાધના
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
પ્રકૃતિને ખિલવાના પ્રારંભનો ઉત્સવ એટલે વસંત પંચમી. મોડાસામાં ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આજે માઁ સરસ્વતીના પ્રાગટ્ય દિવસ તથા ગાયત્રી પરિવારના જનક યુગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીનો આધ્યાત્મિક જન્મ દિવસ વસંત પર્વ પર ભવ્ય ઉજવણી કરવામાં આવી. સવાર 6 વાગેથી જ ગાયત્રી ચેતના કેન્દ્ર પર સામુહિક ધ્યાન, સામુહિક જાપમાં અનેક સાધકો જોડાયા તથા માઁ સરસ્વતી પૂજન, ગાયત્રી યજ્ઞમાં ઉપસ્થિત રહેનાર સૌએ કોરોનારુપી મહામારીથી સમગ્ર માનવ સમુદાય મુક્ત બને એવી ભાવના સાથે સામુહિક સ્વાસ્થ્ય સુરક્ષા હેતુ વિશેષ આહુતિઓ અર્પણ કરી. સાંજે દિપોત્સવ સહિત સામુહિક આરતીનું આયોજન કરવામાં આવ્યું.
આજ ગાયત્રી પરિવારના જનક યુગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીને 1926 માં વસંત પંચમીના દિવસે તેઓના આધ્યાત્મિક માર્ગદર્શક દાદા ગુરુદેવ સાથે સાક્ષાત્કાર થયો હતો. તેઓના માર્ગદર્શન મુજબ આ યુગ પરિવર્તનની યોજના ગાયત્રી પરિવાર સ્વરુપે શુભારંભ થઈ હતી. જે આજે 16 કરોડથી પણ વધુ પીત વસ્ત્રધારી ગાયત્રી સાધકો સાધના, ઉપાસના, આરાધના સાથે સાથે માનવમાત્રને સહાયરુપ થાય એવા અનેક રચનાત્મક આંદોલન ચલાવી રહેલ છે.
અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના મુખ્યાલય શાંતિકુંજ ,હરિદ્વાર દ્વારા વસંત પર્વ પર કોઇ નવીન યોજના ઘોષિત કરવામાં આવે છે. જે મુજબ સમગ્ર વિશ્વ સ્તરે ગાયત્રી પરિવારના જન જાગૃતિ કેન્દ્રો જેવા કે ગાયત્રી શક્તિપીઠ, પ્રજ્ઞાપીઠ, ચેતના કેન્દ્ર કે જિલ્લા, તાલુકા કે ગ્રામ્ય સ્તરની શાખાઓ સાથે જોડાયેલા સૌ સાધકો શાંતિકુંજના એ માર્ગદર્શન મુજબ પોતપોતાના કાર્યક્ષેત્રમાં કાર્યક્રમોના આયોજનો સફળ બનાવવા તન,મન,ધનથી સક્રિય પ્રયાસ કરતા રહે છે. આજના આ પ્રસંગે મોડાસા વિસ્તાર સહિત અનેક સ્થાનો પરથી સેંકડો પરિજનો વર્ચ્યુઅલ માધ્યમથી શાંતિકુંજના મુખ્ય આયોજન સાથે જોડાયા હતા. શાંતિકુંજ દ્વારા ઘોષિત ચાલીસ દિવસીય મહા અનુષ્ઠાન સાધના મોડાસા ક્ષેત્ર સહિત વિશ્વ ભરના અનેક સાધકો આજથી આ સાધના પ્રારંભ કરશે.