અમદાવાદ: માનવશરીર વિવિધ કોષો (Cell)નું બનેલું છે.માનવશરીરના વિવિધ અંગોનું સપ્રમાણ વિકાસ થવા માટે કોષોનું વિભાજન થવુ ખૂબ જ જરૂરી છે. જે પ્રક્રિયા શરીરમાં નિરંતર ચાલતી રહે છે. પરંતુ કેટલાક બાહ્ય પરિબળો કે આંતરિક ખામીને કારણે કોષોની વૃધ્ધિ અને વિભાજન ક્રિયાની લય તૂટી જાય છે જે કારણોસર શરીરના વિવિધ અંગોનો સપ્રમાણ વિકાસ અટકે છે . શરીરમાં કોષોની કાબૂ બહારની વૃધ્ધિ વિવિધ ભાગમાં ગાંઠ કે ચાંદા રૂપે દેખાય છે જેને કેન્સર તરીકે ઓળખવામાં આવે છે.
આ કોષોની વૃધ્ધિને ફરીથી કાર્યરત કરવા તેમજ શરીરમાં વિભાજીત થતા કોષોનો નાશ નાંખવામાં માટે કિમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે. કિમોથેરાપીમાં ઉપયોગમાં લેવાતા વિવિધ રસાયણો શરીરના અંગો જેવા કે ફેફસા, આંતરડા, બોન મેરો , માથાના વાળમાં રહેલા કોષોને તોડવાનું કામ કરે છે.જે કારણોસર કોષોની વૃધ્ધિ કુદરતી રીતે થવા લાગે છે. આ કારણોસર જ ઘણાં કેન્સર ગ્રસ્ત દર્દીઓમાં વાળ ખરી જવાના કિસ્સા જોવા મળે છે.
કેન્સરગ્રસ્ત દર્દીની સારવારમાં કિમોથેરાપી અગત્યનો ભાગ ભજવે છે. દર્દીની સર્જરી કરવાની હોય તે પહેંલા કિમોથેરપી આપવામાં આવે છે જેના દ્વારા શરીરમાં રહેલી કેન્સરની ગાંઠનું કદ ઘટાડી શકાય છે.સાથે સાથે શરીરના અન્ય ભાગમાં કેન્સરનો ફેલાવો થતો રોકી શકાય છે.
મહિલાઓમાં જોવા મળતા સ્તન(બ્રેસ્ટ) કેન્સરમાં તેમાં પણ ખાસ કરીને એડવાન્સ સ્ટેજમાં પહોંચેલા દર્દીમાં કિમોથેરાપી આપ્યા બાદ જ સર્જરી હાથ ધરવામાં આવે છે.
ઘણા કિસ્સાઓમાં કિમોથેરપીને શેકની સાથે પણ આપવામાં આવે છે જેને સામાન્ય રીતે સંવેદનશીલ રેડીએશન કિમોથેરાપી તરીકે ઓળખવામાં આવે છે. દર્દીની જ્યારે રેડીએશન સારવાર ચાલતી હોય તેની સાથે કીમોથેરાપીની સારવાર કરીને રેડીએશન સારવારને વધુ સચોટ અને અસરકારક બનાવવા માટે આ પ્રકારની કિમોથેરાપી આપવામાં આવે છે. કેન્સરગ્રસ્ત દર્દીને થયેલા કેન્સર રોગની સંવેદનશીલતા, અસરકારકતા પ્રમાણે કિમોથેરાપી નક્કી કરવામાં આવે છે.
માનવશરીરમાં ગળા અને મોંઢાના એવા ભાગમાં થયેલ કેન્સર કે જેમાં સર્જરી શક્ય ન હોય તેવા પ્રકારના કેન્સરમાં ફક્ત કિમોથેરપી અને રેડીએશન દ્વારા જ દર્દીની સારવાર હાથ ધરવામાં આવે છે.
મોટા ભાગના કિસ્સાઓમાં કિમોથેરપી દર 21 દિવસના અંતરાલમાં એટલે કે 3 અઠવાડિયે આપવામાં આવે છે. સામાન્યત: સરેરાશ એક દર્દીને કિમોથેરાપીની 6 સાયકલ આપવામાં આવે છે. જૂજ કિસ્સાઓમાં જ દર્દીઓને એક વર્ષ સુધી કિમોથેરાપીની સારવાર આપવામાં આવે છે.કિમોથેરપીની કોઇપણ પ્રકારની આડઅસર ન વર્તાય તે હેતુસર 21 દિવસના અંતરાલમાં કિમોથેરાપી આપવામાં આવે છે.
ઘણાં કિસ્સાઓમાં શરૂઆતના તબક્કામાં કેન્સરગ્રસ્ત દર્દી ફક્ત કિમોથેરપીથી જ સાજા થઇ જતા જોવા મળે છે. બ્લડ કેન્સર, લ્યુકેમિનીયા, લિમ્ફોમાં જેવા કેન્સરમાં ફક્ત કિમોથેરપી આપીને કેન્સરને મટાડવામાં પ્રયત્ન કરવામાં આવે છે જે ઘણું કારગર નિવડ્યુ છે.ત્યારબાદ શરીરમાંથી સંપૂર્ણપણે કેન્સરને નાબૂદ કરવા શેક આપવામાં આવે છે.
અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલ ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ (GCRI)ના મેડિકલ ઓન્કોલોજી વિભાગના વડા ડૉ. હર્ષા પંચાલનું કહેવું છે કે “અમારી કેન્સર હોસ્પિટલમાં સમગ્ર ભારતમાંથી દર વર્ષે 30 હજારથી વધુ દર્દીઓ કેન્સરની સારવાર માટે આવે છે. જેમાંથી 70 ટકા થઈ વધુ દર્દીઓ કેન્સરના છેલ્લા સ્ટેજ માં પહોંચી જાય ત્યારે સારવાર અર્થે આવે છે. આવા પ્રકારના દર્દીઓની કેન્સર રોગની સારવાર અત્યંત પડકારજનક બની રહે છે. આવા પ્રકારના દર્દી અને તેમના સગાનું કાઉન્સેલીંગ કરવું પણ જરૂરૂ બની રહે છે ત્યારે આવા પ્રકારના દર્દીઓને કિમોથેરાપીની સાથે પેલિએટીવ સારવાર આપવામાં આવે છે.દર વર્ષે ૫૦ હજારથી વધુ કિમોથેરપી સારવાર કેન્સર હોસ્પિટલમાં હાથ ધરવામાં આવે છે જેમાં અસરકારક પરિણામો જોવા મળ્યા છે.