અમદાવાદ: દેશની સરહદોની સુરક્ષા દિનરાત ખડેપગે રહેતા બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ કાશ્મીરથી દાંડી (ગુજરાત) સુધીની એક અનોખી સાયકલ યાત્રાનું આયોજન કર્યું છે. ગાંધી જયંતી, બીજી ઓક્ટોબરના રોજ આ સાયકલ યાત્રા દાંડી પહોંચી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે.
બી.એસ.એફ. બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોની આ સાયકલ યાત્રા
આજે બપોરે (25 સપ્ટેમ્બરે) અમદાવાદ આવી પહોંચી હતી. અમદાવાદ ની સેવાભાવી સંસ્થા શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
યાત્રા નું સ્વાગત કરતાં ટ્રસ્ટના ડોક્ટર પ્રકાશ કુરમિએ જણાવ્યું હતું કે દેશની સુરક્ષામાં વ્યસ્ત જવાનો એક અનોખા મિશન હેઠળ આ યાત્રાએ નીકળ્યા છે ત્યારે તેમનું યથા યોગ્ય સ્વાગત થાય તે આપણી સૌની ફરજ છે.. દેશના સીમાડાઓ સાચવનારા આ જવાનો આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત એકતા અખંડિતતા અને ફિટનેસના ધ્યેય મંત્ર સાથે નીકળ્યા છે ત્યારે સમાજ માં તેની હકારાત્મક અસર અને સંદેશો પહોંચશે તે પણ એટલું જ નિશ્ચિત છે.
આ તકે અમદાવાદના સેવાભાવી સંગઠન શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા “અ ડે વીથ બી.એસ.એફ. સોલ્જર્સ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત 26 મી સપ્ટેમ્બરના રોજ સીમા સુરક્ષા દળના જવાનો કાંકરિયા લેક, સ્વામિનારાયણ મંદિર અને મોડર્ન સ્કુલ મણીનગર જેવા સ્થળોની મુલાકાત પણ લઇ વૃક્ષારોપણ મેડિકલ ચેકઅપ કેમ્પ અને યોગ પ્રાણાયામ શિબિર જેવા કાર્યક્રમમાં સહભાગી થશે.
આખો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આઝાદીની લડાઇમાં અનન્ય યોગદાન આપનારા અમદાવાદ નગરના શહેરીજનો આ સાયકલ યાત્રાને ઉત્સુકતાથી વધાવી હતી.
આ પ્રસંગે બીએસએફના અધિકારીઓ, શહેર અગ્રણી અશોક પંડ્યા, મણિનગર સ્વામિનારાયણ મંદિરના મહંતશ્રીઓ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા…તારીખ 27મી સપ્ટેમ્બર સવારે સાયકલ યાત્રા અમદાવાદથી આણંદ જવા માટે પ્રસ્થાન કરશે.