ભાવનગરમાં શહેર કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા આજે સંપન્ન થઇ છે.રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઉપક્રમે અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,ભાવનગર દ્વારા મહાનગરપાલિકા કક્ષાએ તા.૦૪ જાન્યુઆરી ૨૦૨૪ થી ૦૫ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ અલગ અલગ કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજ રોજ કુલ ૯ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં કુલ ૬૦૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં લોકનૃત્યની કુલ ૧૫ ટીમોએ ભાગ લીધેલ હતો.અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ દિવસે કુલ ૧૪ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં કુલ ૧૨૦૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં ૪૧ ટીમો પૈકી ગરબામાં ૧૩ ટીમ,રાસમાં ૧૦ ટીમ,સ્કુલબેન્ડમાં ૨ ટીમ અને સમુહ ગીતમાં ૧૬ ટીમોએ ભાગ લીધો હતો.
આજના કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કમલેશભાઇ પટેલ,નાયબ માહિતી નિયામકશ્રી ચિંતન રાવલ,જિલ્લા રમતગમત અધિકારીશ્રી નરેશભાઇ ગોહિલ,જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિતેશકુમાર મેસવાણીયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી રાજેન્દ્રસિંહ ગોહિલ અને શ્રી વિશાલભાઈ જોષી દ્વારા સમગ્ર કાર્યક્રમની જહેમત ઉઠાવેલ હતી.