રૂ.8.14 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
અંકલેશ્વર GIDC પોલીસે માહિતીના આધારે મુક્તિ ચોકડી પરથી પસાર થતાં ટેમ્પોને રોકી ખાલી કારબાઓની નીચે પ્લાસ્ટિકની 21 બેગોમાંથી કોપરના શંકાસ્પદ ટુકડા મળી આવ્યા હતાં. પોલીસે કુલ રૂ.8.14 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર GIDC પોલીસ તેમના વિસ્તારમાં હાજર હતી.તે સમયે માહિતી મળી હતી કે, એક ટેમ્પો મુક્તિ ચોકડી તરફથી રામદેવ ચોકડી તરફ જઈ રહ્યો છે. જેમાં શંકાસ્પદ કોપરના ટુકડા હોવાની માહિતી છે.
જેથી પોલીસે માહિતીના આધારે મુક્તિ ચોકડી ખાતે વોચ ગોઠવી હતી. આ સમય દરમિયાન માહિતીવાળો ટેમ્પો આવતા તેને રોકી તપાસ કરતા ટેમ્પામાં પાંચ ઈસમો બેઠા હતાં. પોલીસે ટેમ્પાના પાછળના ભાગે તપાસ કરતા પ્લાસ્ટિક બાંધેલા ખોલી ચેક કરતા નાના મોટા 396 ખાલી કેરબા મળી આવ્યા હતા. જેની નીચે પ્લાસ્ટિક બાંધેલું હોય તેને હટાવતા 21 બેગો મળી આવી હતી.
આ બેગોમાં તપાસ કરતાં તેમાંથી કોપરના ટુકડા મળી આવ્યા હતાં. પોલીસે આ મામલે કાપોદ્રા ગામ રહેતો ટેમ્પો માલિક ચાલક ઇસ્લામ સોક્ત અંસારી, ભડકોદ્રામાં ગોડાઉન ધરાવતા સુરેશ અવધરામ યાદવ, દ્વારકા મોલહુ યાદવ અને લવકુશ પાસવાન તેમજ સરોજ બબન વિશ્વકર્મા પાસે કોપરના ટુકડાઓ અંગે આધાર પુરાવા માંગતા તેઓ રજૂ કરી નહીં શક્તા પોલીસે તેમની અટકાયત કરી હતી.
જેથી પોલીસે કોપરના 910 કિલો ટુકડા કિંમત રૂ. 5 લાખ, પ્લાસ્ટિકના ખાલી કેરબા અને ટેમ્પો મળીને કુલ રૂ. 8.14 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ભાવેશ મુલાણી, ભરૂચ.