દારૂ કોની પાસેથી ખરીદવામાં આવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તેની પોલીસે તપાસ હાથ ધરી
મકરસંક્રાંતિના તહેવાર પહેલા બુટલેગરો એક્ટિવ થયા છે. જેથી પોલીસ પણ સતર્ક બની છે.
ઉનાના એહમદપુર માંડવી ચેક પોસ્ટે દિવથી આવતી ઇકો કારને પોલીસે રોકાવી અંદર તલાસી લેતા કારની અંદર તપેલામાં બટાકા-પૌવાની વચ્ચે વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. તેમજ વધુ તપાસ કરતા અન્ય બેગમાં દારૂની બોટલનો જથ્થો, એક બુમ, મોબાઇલ તેમજ કાર સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે, આ દારૂના જથ્થા સાથે એક પત્રકાર યુવતી તેમજ શખ્સને પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અહેમદપુર માંડવી ચેક પોસ્ટ પાસે ઈકો કારમાં નાસ્તાના ભરેલા તપેલાની અંદર દારૂનો જથ્થો છુપાવી અને પત્રકાર હોવાનો રોફ જમાવતી એક યુવતી સાથે એક યુવકને વિદેશી દારૂની ૬૭ બોટલો તેમજ કાર સહિતના દોઢ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. મકરસંક્રાંતિ તહેવાર નામે બાળકોને નિયમિત નાસ્તો, પતંગ, તેમજ દોરીનું દાન કરવા નિકળેલા બની બેઠેલી પત્રકાર યુવતી તથા જગદીશ વાઘજી મકવાણા દિવ વિસ્તારમાંથી બાળકો માટે નાસ્તાનાં તપેલા ભરી તેનાં વચ્ચે ઈંગ્લીશ દારૂનો જથ્થો જુદી જુદી બોટલ સંતાડીને નિકળતાં એહમદપુર માંડવી ચેક પોસ્ટે પોલીસે કાર રોકાવી હતી.
કારની તપાસ કરતા પોતે પત્રકાર હોવાનો રોફ જમાવ્યો હતો. તહેવાર નિમિત્તે દાન કરતા હોવાનો દેખાવ કર્યો હતો બુટલેગરનો નવો અખતરો જોઈ પોલીસ પણ ચોંકી પોલીસે નાસ્તાનાં તપેલામાં બટાકા-પૌવા હોય તેમાં ચેક કરતા નિચે છુપાવેલી દારૂની બોટલો મળી આવી હતી. તેમજ બુમનાં થેલામાં પણ દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે મોબાઇલ તેમજ કાર સહીત બંને યુવક-યુવતીને કાર સાથે ઉના પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. ઈંગ્લીશ દારૂ તેમજ કાર સાથે રૂ.૧ લાખ ૮૫ હજાર ૩૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.