એબીએનએસ સમી: પાટણના સમી ખાતે પકડાયેલા 36 હજાર કિલો ચોખાના નમૂના પાસ થતાં ચાર વ્યક્તિ સામે ફરિયાદ…
પાટણ જીલ્લાના સમી તાલુકાના વરાણા ગામે ખોડીયાર હોટલના કમ્પાઉન્ડમાંથી શંકાસ્પદ ચોખાનો મોટો જથ્થો પકડાયો છે. 14 ફેબ્રુઆરી 2025ના રોજ સાંજના 4:30 વાગ્યે એક ટ્રક (નંબર આર-03-જીએ 6455)માંથી આધાર-પુરાવા વગર 619 કટ્ટા ચોખા મળી આવ્યા હતા. ત્યારે પોલીસ તપાસમા સામે આવ્યું કે આ ચોખાનો જથ્થો દાહોદના જે.પી. ટ્રેડર્સના માલિક દ્વારા મોકલવામાં આવ્યો હતો. આણંદની ફસ્ટ ફ્લોરની કે.કે. એગ્રી એક્સપોર્ટ, રાજસ્થાનના બંસવારાના ટ્રક ડ્રાઈવર રમેશ દેવીલાલ અને ટ્રક માલિક વિન્કેશ કલાલ સામે કેસ નોંધવામાં આવ્યો છે. ટ્રકમાં રૂ. 10.86 લાખની કિંમતનો 36,200 કિલોગ્રામ ચોખાનો જથ્થો હોવાનું વે-બિલમાં નોંધાયેલું હતું. પોલીસે આ જથ્થો સીઝ કરી સમીના સરકારી અનાજ ગોડાઉનમાં સુરક્ષા હેઠળ રાખ્યો હતો.
પાટણ જિલ્લા કલેક્ટર કચેરીના આદેશથી આ ચોખાના નમૂના ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ ગાંધીનગરમાં મોકલવામાં આવ્યા હતા. તપાસમાં આ નમૂના FSSAI સ્પેસિફિકેશન મુજબ યોગ્ય જણાયા છે અને તેમાં ફોર્ટિફાઇડ રાઇસ કર્નલ (FRK)ની હાજરી પણ મળી આવી છે. આ રિપોર્ટના આધારે જિલ્લા કલેક્ટરના હુકમથી ચારેય વ્યક્તિઓ સામે જરૂરી ચીજવસ્તુ અધિનિયમની કલમ-7 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.