રાજ્યની સ્વીમીંગ સ્કૂલમાં મોટી પાણીયાળી કે.વ. શાળાના એક સાથે નવ બાળકો પસંદ થયા
——++—–
સમગ્ર ગુજરાતમાં એક જ ગામના સૌથી વધુ બાળકોની પસંદગી
—–+++——
અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર
આપણે ત્યાં કહેવત છે કે, ‘મન હોય તો માળવે જવાય’ આ કહેવતને ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વ.શાળાના બાળકોએ ખરા અર્થમાં સાકાર કરી બતાવી છે.
ગામમાં સ્વિમિંગ-પુલની સગવડ ન હોવાથી ગામમાં આવેલાં ચેકડેમમાં નિરંતર પ્રેક્ટિસ કરીને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત સ્વિમિંગ શાળામાં પ્રવેશ મેળવીને પોતાનું કૌવત બતાવ્યું છે.
શાળાના આચાર્ય અને બાળકોના કોચ બી.એ.વાળાના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા મુકામે યોજાયેલ રાજય કક્ષાની તરણ સ્પર્ધામાં ભાગ લઈને રાજ્ય કક્ષાના બાળકો વચ્ચે આ સિદ્ધિ મેળવી છે..
જેમાં સ્વીમીંગની વિવિધ ઇવેન્ટ ફ્રી સ્ટાઇલ, બેક સ્ટ્રોક, બટર ફલાય, બ્રેસ્ટ સ્ટ્રોકની કસોટી લેવામાં આવી હતી અને સમગ્ર ગુજરાતમાંથી ૫૨ ખેલાડીઓની પસંદગી થઇ સતી. જેમાં મોટી પાણીયાળી ગામના એક સાથે નવ ખેલાડીઓની પસંદગી થતાં સમગ્ર શાળા પરિવારમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ છે.
ગામમાં સ્વીમીંગ પુલની સુવિધા ન હોવાથી શાળાના બાળકોને શાળાના આચાર્યશ્રી બી.એ.વાળા દ્વારા શાળા સિવાયના સમયે અને રજાઓમા પણ બાળકોને ચેકડેમમાં નિયમિત રીતે પ્રેક્ટિસ કરાવવામાં આવતી હતી.
આમ, સગવડના અભાવ વચ્ચે ચેકડેમમાં પ્રેક્ટિસ કરીને વૈશાલી વાઘેલા, રવિના વાઘેલા, ધારા બારૈયા, જયદિપ પરમાર, અમરદિપ વાળા, સુર્યદિપ વાળા, રાજવિર વાળા, વૈભવ વાઘેલા, નરેશ સરવૈયા એમ કુલ નવ બાળકોએ શાનદાર સફળતા મેળવતાં સ્વીમીંગ સ્કૂલમાં પસંદગી પામ્યાં છે.
જ્યારે સેજલ ગોહિલ એથ્લેટિકસ સ્કૂલમાં પસંદ થયેલ છે. આ અગાઉ ત્રણ બહેનો થોડા દિવસ અગાઉ સ્પોર્ટ્સ સ્કૂલમાં પસંદ પામી હતી.
આમ, આ વર્ષે એક સાથે ૧૩ બાળકો પસંદગી પામ્યાં છે અને શાળા તેમજ ગામનું ગૌરવ વધાર્ય છે. પસંદ થયેલ આ બાળકોને સ્પેશ્યલ કોચ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે અને આ બાળકોની શિક્ષણ ફી, હોસ્ટેલ ફી, સ્પોર્ટ્સ કિટ સહિત તમામ ખર્ચ સરકારશ્રી દ્વારા કરવામાં આવશે. પસંદ થયેલ બાળકોના વાલીઓએ શાળા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે.
——–