જામનગર: જામનગરની એકમાત્ર સરકારી ગર્લ્સ હાઇસ્કુલ કે જ્યાં ધો.૯ થી ૧૨ માં બારસો જેટલી વિદ્યાર્થીનીઓ વિનામુલ્યે શિક્ષણ મેળવે છે એવી મા.શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓનું માર્ચ-૨૦૨૨ નું HSC અને SSC પરીક્ષાનું ઉત્કૃષ્ટ પરિણામ આવતાં સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીનીઓમાં હર્ષની લાગણી છવાઈ છે.
છેલ્લાં પાંચ વર્ષમાં આવેલ પરિણામોમાં ચાલુ વર્ષે સર્વ શ્રેષ્ઠ પરિણામ મળતા આચાર્યાશ્રી, સમગ્ર સ્ટાફ તેમજ વિદ્યાર્થીનીઓ આનંદની લાગણી અનુભવી છે.
ધો.૧૦, ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ, આર્ટસ તથા કોમર્સ એમ ત્રણેય પ્રવાહનું છેલ્લા પાંચ વર્ષમાં સર્વ શ્રેષ્ઠ પરિણામ શાળાએ મેળવ્યું છે.જેમાં વર્ષ 2022 ના ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં પરિણામ 50% જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહમાં પરિણામ 94.82%, ધો.10 માર્ચ-2022 માં પરિણામ 58.75% જ્યારે ધો.૧૦ માં તાજેતરમાં આવેલ પરિણામ મુજબ ૨ વિદ્યાર્થીનીઓએ A1 ગ્રેડ અને ૨ વિદ્યાર્થીનીઓએ A2 ગ્રેડ મેળવી શાળા તથા સમગ્ર જામનગરનું ગૌરવ વધાર્યું છે.
જેમાં પરમાર ક્રિષાએ 99.41 PR 559/600 સાથે A1 ગ્રેડ, કટેશીયા ધારાએ 98.98 PR 551/600 સાથે A1 ગ્રેડ મળવી બેઝીક મેથ્સમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવેલ છે.જ્યારે પરમાર દીપ્તિએ 98.00 PR-537/600 સાથે A2 તેમજ રાઠોડ ભુમીબાએ 91.87 PR – 484/600 સાથે A2 ગ્રેડ મેળવેલ છે.