અમદાવાદ, સંજીવ રાજપૂત: 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં ભારતના વિજય નિમિત્તે “વિજય દિવસ”ના 52મા વર્ષની ઉજવણી અને યુદ્ધમાં આપણા સશસ્ત્ર દળોએ દર્શાવેલા શૌર્ય અને તેમણે આપેલા બલિદાનને માન આપવા માટે, ભારતીય સેનાના કોણાર્ક મલ્ટી મોડલ અભિયાનના ભાગ રૂપે કમાન્ડર 31 ઇન્ફન્ટ્રી બ્રિગેડ દ્વારા કચ્છના રણ પ્રદેશના શાંત વાતાવરણમાં નડા બેટના ઐતિહાસિક પ્રદેશમાંથી સાઇકલ રેલીને ઝંડી બતાવીને રવાના કરવામાં આવી હતી.
આ રેલી યોજવાનો ઉદ્દેશ્ય આપણા સૈનિકોની શારીરિક સહનશક્તિ દર્શાવવાનો અને ભારતીય સશસ્ત્ર દળોમાં રહેલી એકતા અને સૌહાર્દની ભાવના પર ભાર મૂકવાનો હતો. આ રેલીમાં ભારતીય સેના, ભારતીય નૌસેના, ભારતીય વાયુસેના અને BSFના કુલ 24 સાઇકલ સવારોએ ભાગ લીધો હતો અને સુઇગામ, ધોળાવીરા થઇને 256 કિલોમીટરનું અંતર કાપીને ધોરોડો ખાતે તેનું સમાપન થયું હતું.
સાઇકલ સવારોએ તેમના માર્ગ પર આવતી સાંતલપુરની ચીમલાલ લક્ષ્મીબાઇ પરીખ હાઇસ્કૂલ ખાતે અગ્નિવીર યોજના પર પ્રકાશ પાડ્યો હતો તેમજ યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભૂમિકાના મહત્વ વિશે પ્રેરિત કરતા વિવિધ જાગૃતિ અને પ્રેરક કાર્યક્રમો હાથ ધર્યા હતા. યુવાનોએ આનંદભેર સૈનિકોનું સ્વાગત કર્યું હતું અને ઉત્સાહપૂર્વક તેમની સાથે સંવાદ કર્યો હતો.
10 ડિસેમ્બર 2023ના રોજ સાઇકલ સવારો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા પહોંચ્યા હતા જે શ્રેષ્ઠ સચવાયેલી શહેરી વસાહતોમાંથી એક છે. આ સ્થળ અતુલ્ય ભારતને પ્રોત્સાહન આપે છે અને 1971ના યુદ્ધ ભારત-પાકિસ્તાન દરમિયાન આપણા સશસ્ત્ર દળોના શૌર્યનું પણ સન્માન કરે છે. સાઇકલિંગ રેલીએ સ્થાનિક લોકો સાથે સદ્ભાવના અને સંવાદને પ્રોત્સાહન આપવા માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપી હતી. તેઓ વિજય દિવસના ઐતિહાસિક મહત્વ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટેના સામુદાયિક સંવાદ કાર્યક્રમોમાં પણ સામેલ થયા હતા.
રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે અને ઐતિહાસિક સ્થળ પર રમતગમત દ્વારા બાળકોમાં શિસ્ત, ટીમ ભાવના તેમજ માનસિક એકાગ્રતા કેળવવાની પ્રેરણા આપવા માટે ભારતીય સૈન્ય દ્વારા અંતરિયાળ ગામડાઓમાં શાળાના બાળકો માટે ખો-ખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણેય સૈન્ય સેવાઓ અને BSFના સાઇકલ સવારોએ “વિજય દિવસ”ની 52મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા માટે નડા બેટથી ધોરોડો સુધીનું 256 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.
રેલીના સમાપન દિવસે ભૂતપૂર્વ સૈનિકોને તેમની રાષ્ટ્ર સેવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા અને એક સંવાદાત્મક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિપૂર્ણ આ સાઇકલ યાત્રા 11 ડિસેમ્બર 2023ના રોજ ધોરોડો ખાતે કચ્છના રણ પ્રદેશના મનોહર માહોલમાં સંપન્ન થઇ હતી.
સાઇકલ સવારોની ઉત્સાહી ટીમે કચ્છના સરહદી વિસ્તારોમાં પડકારજનક તેમજ આકર્ષક પરિદૃશ્યનું કુલ 256 કિલોમીટરનું અંતર આવરી લીધું હતું, જે પ્રતિકૂળ પરિસ્થિતિમાં આપણા સૈન્ય દળોની સહનશીલતાનું પ્રતીક છે. સરહદી વિસ્તાર ઉપરાંત, આ માર્ગ નડા બેટ, ધોળાવીરા હેરિટેજ સાઇટ અને સફેદ રણ જેવા વિશ્વ વિખ્યાત સ્થળોથી પણ પસાર થયો હતો.
સાઇકલિંગ રેલીમાં ધોરોડો ખાતે ભારતીય સેનાની આધુનિક ક્ષમતાઓની ઝલક આપતા વિશિષ્ટ ઉપકરણોનું પ્રદર્શન પણ રજૂ કરવામાં આવ્યું હતું.