અંબાજી, સંજીવ રાજપૂત: યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મેળામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા અને સૂશ્રુષા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
વિવિધ સેવાભાવી સંઘો અને મંડળો દ્વારા ભાદરવી પૂનમના મેળામાં ચા, પાણી, નાસ્તો, જમવાની અને રહેવાની સગવડ સુવિધા સાથેની સેવા પૂરી પાડી મેળામાં આવતા માઇભક્તોની સેવા કરવામાં આવે છે.
આવો જ એક સેવાકેમ્પ શ્રી પદયાત્રી સેવા મંડળ વર્ષ ૧૯૮૭ થી અંબાજી આવતા પદયાત્રીઓને સેવા પૂરી પાડી રહ્યું છે. છેલ્લા 36 વર્ષથી શ્રી પદયાત્રી સેવા મંડળનો સેવાયજ્ઞ અવિરત ચાલી રહ્યો છે.
ચાલુ વર્ષે પણ શ્રી પદયાત્રી સેવા મંડળ દ્વારા પદયાત્રીઓને સવારે ચા-નાસ્તો, બપોરે સાત્વિક ભોજન, સાંજે ચા- નાસ્તો અને રાત્રે ભોજન શ્રધ્ધાળુઓને પૂરું પાડવામાં આવે છે. જેનો હજારો લાખો શ્રદ્ધાળુઓ લાભ લઇ રહ્યા છે તેમજ પદયાત્રીઓને મેડિકલ સેવા ઉપલબ્ધ કરાવી આદ્યશક્તિના આસ્થા રૂપી અવસરમાં સેવાયજ્ઞ દ્વારા ભક્તિની સુવાસ પથરાવી રહ્યું છે.