જામનગરમાં રૂ.૩૫૨ કરોડના ૫૫૩ વિકાસ કામોનું ઇ -લોકાર્પણ, ઇ -ખાતમુહૂર્ત અને ઇ -ભૂમિપૂજન
જામનગર: જામનગરમાં ગુજરાતનાં ૬૩મા સ્થાપના દિવસ ‘ગુજરાત ગૌરવ દિવસ’ ની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે રૂ.૩૫૨ કરોડના ૫૫૩ વિકાસકાર્યોના ઇ-લોકાર્પણ, ઇ-ખાતમુહૂર્ત અને ઇ-ભૂમિપૂજન પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રીય નેતૃત્વ અને દિશાદર્શનમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાતે દેશને વિકાસની નવી દિશા આપી છે.
મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે વર્ષ ૨૦૦૧માં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વિકાસનો પાયો નાખ્યો અને એ વિકાસયાત્રા પ્રત્યે સમગ્ર દેશને વિશ્વાસ જાગ્યો અને ગુજરાત મોડલને સમગ્ર દેશે સ્વીકારી શ્રી નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવ્યા એ પણ ગુજરાતનું ગૌરવ છે તેમ જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ ગુજરાત સ્થાપના દિને ગુજરાતના નિર્માણમાં યોગદાન આપનાર શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક, રવિશંકર મહારાજને યાદ કરી ૨૦મી સદીમાં દેશની આઝાદી, એકતા, અખંડીતતા માટે ગુજરાતના સપૂત મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સુવર્ણ અક્ષરે લખાયું છે ત્યારે ૨૧ મી સદીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહનું નામ સુવર્ણ અક્ષરે લખાશે કારણકે વડાપ્રધાનશ્રીએ દેશની સુરક્ષા તેમજ દેશને ગૌરવ અપાવવા માટે જે કાર્યો કર્યા છે તેનું આપણને ગૌરવ છે. એક ભારત શ્રેષ્ઠ ભારત અને કલ્ચર સિક્યોરીટીના સંદર્ભમાં મંત્રીશ્રીએ કહ્યું કે, આપણી સાંસ્કૃતિક વિરાસતો અને સાંસ્કૃતિક ઐક્યને ઉજાગર કરવા વડાપ્રધાને દેશને એક તાંતણે બાંધીને સાંસ્કૃતિક સ્થળોની ઓળખને પણ ઉજાગર કરી છે.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, આરોગ્ય, શિક્ષણ અને માળખાગત વિકાસ સાથે જનસેવામાં ટેકનોલોજીનો સમન્વય કરીને ગુજરાત સરકારે ખેડૂતો, મહિલાઓ, ખેતમજૂરો અને છેવાડાના માનવીઓને સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે રાજ્ય સરકારે પુરુષાર્થ કર્યો છે. સ્વાગત કાર્યક્રમ થકી લોકોના પ્રશ્નોનું નિવારણ આવ્યું છે. આરોગ્ય સેવાઓમાં ગુજરાતે વ્યાપક યોજનાઓનો અમલ કરીને આરોગ્ય સુખાકારી માટે લોકોની અપેક્ષા પ્રમાણે અમારી સરકારે કાર્ય કર્યું છે અને આ કાર્યમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વને લીધે નવા આયામો સિદ્ધ થયા છે.
મંત્રીશ્રીએ સગૌરવ કહ્યું કે, જામનગરે દેશને મહાન ક્રિકેટરો આપ્યા છે. જામસાહેબ સહિતના રાજવીઓ જામનગરનું ગૌરવ છે. જામનગર ઓદ્યોગિક નગરી અને ગૃહ ઉદ્યોગમાં આગવી ઓળખ ધરાવે છે. આજના દિને ખુલ્લા મુકાયેલા વિકાસકાર્યો જામનગરના વિકાસને વેગવંતો કરશે. મંત્રીશ્રીએ ગુજરાતના નિર્માણ અને વિકાસ માટે યોગદાન અને પુરુષાર્થ કરનાર તમામ ગુજરાતીઓને અભિનંદન આપી વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓને જ્યાં વસે ગુજરાત, ત્યાં સદાકાળ ગુજરાત કહીને સહર્ષ શુભકામના પાઠવી હતી.
રાજ્યના કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે દેશની આઝાદી માટે અને ગુજરાતને અલગ રાજ્યનો દરરજો અપાવવા માટે સંઘર્ષ કર્યો તેવા વીરોને યાદ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત ઓદ્યોગિક વિકાસ ક્ષેત્રે દેશમાં મોખરે છે. ગુજરાતના ખેડૂતોને ૨૪ કલાક વીજળી આપવામાં આવે છે. રાજ્યમાં નલ સે જલ યોજના હેઠળ તમામ ઘરો સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચી રહ્યું છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની સરકાર છેવાડાના માનવી સુધી તમામ સેવાઓ પહોંચે તે માટે દિવસ રાત પ્રયાસો કરી રહી છે. જામનગરમાં વિશ્વની સૌથી વિશાળ રિલાયન્સ રીફાઇનરી તેમજ વિશાળ ઓદ્યોગિક વસાહતો આવેલી હોવાથી અનેક લોકોને રોજગારી મળી રહે છે. જામનગરના ક્રિકેટરોએ ક્રિકેટ ક્ષેત્રે પોતાનું નામ રોશન કરીને દેશભરમાં જામનગરને નવી ઓળખ અપાવી છે.
જામનગરના ઐતિહાસિક સ્થળો જામનગરના રાજવીઓની દેન છે. આપણી સંસ્કૃતિને જીવંત રાખીને ગુજરાતે દેશભરમાં આગવી ઓળખ મેળવી છે. આજે જામનગરને કરોડોના વિકાસ કાર્યોની ભેટ મળી છે તેમજ ગુજરાત ગૌરવદિનની ઉજવણી માટે પધારેલા મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.
જામનગરને વિકાસકાર્યોની ભેટ મળી તેમાં મહત્વના વિકાસ પ્રકલ્પો જોઈએ તો જામનગર જિલ્લામાં રૂ.૯૮ કરોડના ખર્ચે ૪૨૨ કામોનું ઇ-લોકાર્પણ, રૂ.૧૬૨ કરોડથી વધુના ખર્ચે ૧૨૩ કામોનું ઇ-ખાતમુહૂર્ત, રૂ.૯૨ કરોડથી વધુના ખર્ચે ૮ કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે.
જેમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)દ્વારા નિર્મિત રૂ.૫ કરોડ ૩૮ લાખના ખર્ચે વીવીઆઈપી એનેક્ષી બિલ્ડિંગ (સર્કિટ હાઉસ) ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત બેડી રેલવે સ્ટેશન પાસે ૨૭૨ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેના થકી લોકોનું પોતાના ઘરનું સ્વપ્ન પૂર્ણ થયું છે. પીજીવીસીએલની નવી ગોકુલનગર સબ ડિવિઝનલ ઓફિસનું રૂ.૪ કરોડથી વધુ રકમના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું છે.
જામનગરની એમ. પી. શાહ મેડિકલ કોલેજ અને સરકારી ડેન્ટલ કોલેજ ખાતે દેશભરના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. ત્યારે રૂ.૮૮ કરોડના ખર્ચે ગર્લ્સ હોસ્ટેલના કામનું આજે ભૂમીપૂજન કરવામાં આવ્યું છે. હોસ્ટેલનું નિર્માણ થતાં દીકરીઓને રહેવાની સુવિધા મળી રહેશે.
ધ્રોલ તાલુકાના ખાખરા, ખારવા અને રોઝીયા ગામે ત્રણ પ્રાથમિક શાળાઓનું રૂ.૧ કરોડ ૩૭લાખના ખર્ચે અને પાણાખાણ વિસ્તારમાં પીપીપી ધોરણે નવી શાળા રૂ.૧કરોડ ૧૨ લાખના ખર્ચે નિર્માણ પામશે. આરોગ્યલક્ષી સુવિધાઓ જેમાં જાંબુડામાં સીએચસી બિલ્ડિંગનું રૂપિયા સાડા ત્રણ કરોડથી વધુના ખર્ચે નિર્માણ થશે.
આમ, ગુજરાત સ્થાપનાદિનની જામનગરમાં થયેલી ઉજવણીના ઉપલક્ષમાં આ વિકાસ કાર્યો જામનગર જિલ્લાના વિકાસને નવી દિશા આપશે.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન આપતા કલેકટરશ્રી બી. એ. શાહે આજે ગુજરાતના ૬૩માં સ્થપનાદિનની ઉજવણી જામનગરમાં થઈ રહી છે તે બદલ સૌ જામનગરવાસીઓને અભિનંદન પાઠવી રાજ્ય સરકારના માર્ગદર્શનમાં જિલ્લાનું પ્રશાસન સેવામાં પ્રતિબંધ છે તેમ જણાવ્યું હતું.દિવ્યાંગોને દિવ્યાંગતા પ્રમાણપત્ર, સિવિલ સર્વિસ ડેની ઉજવણીના ભાગરૂપે ૭૫૭ ખાતેદારોની માત્ર ૯ દિવસમાં નોંધ કરવામાં આવી છે તેમ જણાવી વિકાસની રૂપરેખા રજૂ કરી હતી.
આ કાર્યક્રમમાં મહેમાનોનું મિલેટ્સ બાસ્કેટ આપીને તેમજ આરોગ્યમંત્રીશ્રીનું ખેસ અને હાલારી પાઘડી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાસ-ગરબાની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આવાસ યોજના, દિવ્યાંગતા સહાય યોજના, લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવ્યા હતા અને લાભાર્થીઓને પોતાના પ્રતિભાવો રજૂ કરી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં સાંસદ શ્રી પૂનમબેન માડમ,મેયર શ્રીમતી બિનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનિયારા, ડેપ્યુટી મેયર શ્રી તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડયા, દંડક શ્રી કેતનભાઈ ગોસરાણી, ધારાસભ્યો શ્રીમતી રિવાબા જાડેજા, શ્રી દિવ્યેશભાઈ અકબરી,શ્રી મેઘજીભાઈ ચાવડા, મુખ્ય સચિવશ્રી રાજકુમાર,માર્ગ અને મકાન વિભાગના સચિવશ્રી સંદીપ વસાવા, કમિશનરશ્રી ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, અગ્રણીઓશ્રી ડો. વિમલભાઈ કગથરા, શ્રી રમેશભાઈ મૂંગરા, મહામંત્રીશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ, વિવિધ યોજનાના લાભાર્થીઓ, આમંત્રિત મહેમાનો તેમજ નગરજનો સહભાગી થયા હતા.