જામનગર: 8 વર્ષ બાદ જામનગર આયુર્વેદ યુનિવર્સિટીમાં 28મો પદવીદાન સમારોહ રાજ્યપાલની ઉપસ્થિતિમાં યોજાવવા જઇ રહ્યો છે.
રાજવી નગરી ગણાતા જામનગર શહેર ખાતે 8 વર્ષ બાદ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો 28મો પદવીદાન સમારોહ યોજાશે જેમાં. ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાજયકક્ષાના આયુષ મંત્રી મહેન્દ્રભાઈ મુંજપુરા, રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
25 એપ્રિલના રોજ ધન્વંતરિ ઓડિટોરિયમ ખાતે સવારે 11 કલાકે આ કાર્યક્રમ યોજાશે જેમાં આશરે 396 વિદ્યાર્થીઓને 66 ગોલ્ડ મેડલ અને 56 સિલ્વર મેડલ એનાયત કરવામાં આવશે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર મુકુલભાઈ પટેલ અને આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અશોકભાઈ ચાવડા દ્વારા આ યોજાનાર કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી પત્રકારોને આપવામાં આવી હતી.
આ ઉપરાંત આ કાર્યક્રમમાં આયુર્વેદ ક્ષેત્રની નામાકીંત વ્યક્તિની સેવાઓને ધ્યાને લઇ તેઓને ડી.લીટ ની પદવી પણ એનાયત કરવામાં આવશે.તદઉપરાંત રાજયની અન્ય યુનિવર્સિટીઓ સાથે આયુર્વેદ શિક્ષણ અને સેવાના પ્રચાર પ્રસાર અર્થે એમઓયુ પણ હાથ ધરવામાં આવશે.
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ઇતિહાસની વાત કરીએ તો જામનગરના મહારાજા અને મહારાણીએ આયુર્વે માટે એક સ્વપ્ન સેવેલું અને ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટી નામની સંસ્થાની ઇ.સ. 1940 માં સ્થાપના કરી અને ઇ.સ. 1944 માં રૂ.60 લાખના ખર્ચે ધન્વન્તરિ મંદિર નામનું ભવ્ય બિલ્ડીંગબંધાવ્યું હતું.
ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટી દ્વારા એ સમયના મહાન સર્જન ડૉ. પી. એમ. મહેતા દ્વારા ચરક સંહિતાને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં અનુવાદ કરી 6 વોલ્યુમમાં પ્રગટ કરેલા ઇ.સ. 1946 માં જામનગર ખાતે ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયની સ્થાપના સોસાયટી દ્વારા કરવામાં આવી અને વૈદ્ય કશ્રી યાદવજી ત્રિકમજીને પ્રથમ આચાર્ય તરીકે નીમવામાં આવેલ. ઇ. સ. 1954 માં ભારત સરકાર દ્વારા સંશોધનોના કાર્ય માટે સેન્ટ્રલ ઇન્સ્ટિટયૂટ ઑફ રિસર્ચ ઇન ઇન્ડિજીનીયસ સિસ્ટમ ઑફ મેડિસિનની સ્થાપના કરી, જેમાં ડૉ. પી. એમ. મહેતાની નિયામક તરીકે નિમણૂંક કરેલ. ઇ.સ. 1956 માં ભારત સરકાર દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેનિંગ સેન્ટર ઓફ આયુર્વેદ (IPGT&RA) ની સ્થાપના કરી વૈદ્ય ભાસ્કર વી. ગોખલેને આચાર્ય તરીકે નિમણૂંક આપેલ, ઇ. સ. 1963 માં ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય, સેન્ટ્રલ ઇન્સ્ટિટયૂટ ફોર રિસર્ચ એન્ડ ઇન્ડિલીજીયસ સિસ્ટમ ઑફ મેડિસિન, પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેનીંગ સેન્ટર ફોર આયુર્વેદને એક સાથે ભેળવીને ઇન્સ્ટિટયૂટ ફોર આયુર્વેદિક સ્ટડીઝ એન્ડ રીસર્ચની સ્થાપના કરેલ.
ગુજરાત રાજ્ય દ્વારા વિધાનસભામાં તા. 17-12-1965 નાં રોજ વિધેયક મંજુર કરી ગુજરાત રાજ્યની અંદર વિવિધ સ્થળોએ આવેલી જુદી જુદી કોલેજોને જોડાણ આપી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના જામનગર ખાતે મુખ્ય મથક રાખીને કરવામાં આવેલ. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી તા. 5-1-1967 નાં રોજ ઇન્સ્ટિટયૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચીંગ એન્ડ રીસર્ચને ફેકલ્ટી તરીકે તથા ગુજરાત રાજ્યની અંદર આવેલી બીજી કોલેજોને સંલગ્ન કોલેજો તરીકે જોડાણ આપી અસ્તિત્વમાં આવેલ.ઇ.સ. 2020માં ભારત સરકાર દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેનીંગ સેન્ટર ફોર આયુર્વેદમાં શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય, ઇન્ડિયન ઇનસ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ સાયન્સીસ, એમ.પી.વાયએનઆરને ભેળવીને નેશનલ ઇમ્પોર્ટસ આપીને ઇન્સ્ટિટયૂટ ફોર ટ્રેનિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA) ની સ્થાપના કરવામાં આવી.
સદરહુ સંસ્થાઓ જુલાઈ, 2021થી ITRA અંતર્ગત સમાવાઈ છે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી એકટ-1965 રદ કરીને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી એકટ-2021 તા.06-04-2021થી અમલમાં આવી છે. આઠ વર્ષ બાદ મોટા પાયે પદવીદાન સમારોહનું આયોજન થતા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આયુર્વેદ સાથે સંકળાયેલા સર્વેમાં આનંદની લહેર પ્રસરી છે.