પ્રધાનમંત્રી આવાસ યોજનાથી છાપરાં માં રહેતા આદિજાતિ પરિવારોનું પાકું અને ઘરનું ઘર હોવાનું સ્વપ્ન પૂર્ણ થયું
આખી જિંદગી છાપરામાં, કાચા મકાનમાં વિતાવી પણ મારા બાળકો હવે પાકા ઘરમાં રહશે અને ભણશે:- લાભાર્થી રાયસાભાઈ ડાભી
આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘ સબકા સાથ , સબ કા વિકાસ ’ ના સૂત્રને સાર્થક કરવા વનબંધુ કલ્યાણ યોજનાની જાહેરાત કરી હતી. જે અન્વયે આદિજાતિ વિસ્તારની માળખાકીય સુવિધાઓ તેમજ આદિજાતિ સમુદાયના સામાજિક , આર્થિક અને શૈક્ષણિક એમ સર્વાંગી વિકાસનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. જે લક્ષ્યની પૂર્તિ માટે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર પણ કટિબદ્ધ છે.
રાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં વસતા ઘર વિહોણા લાભાર્થીઓને તથા કાચા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારોને પાયાની સુવિધાઓ સાથેનું પાકુ આવાસ પુરુ પાડવાનો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઉદ્દેશ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) તા.૨૦-૧૧-૨૦૧૬થી અમલમાં મુકવામાં આવેલ છે. ગ્રામ્ય વિસ્તારના કુટુંબોને “પોતાના સ્વપ્નનું ઘર” મળે અને તેમનું જીવનધોરણ ઊંચું આવે તે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મુખ્ય હેતુ છે.
આ યોજનાનો લાભ બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ આદિજાતિ વિસ્તારમાં પણ પહોંચ્યો છે. જેના થકી વર્ષોથી ઝુંપડપટ્ટી અને છાપરાંમાં જીવન વ્યતિત કરતા આદિજાતિ પરિવારોને પણ પાકાં આવાસ મળ્યાં છે. અને આદિજાતિ પરિવારોનું ઘરનું ઘર હોવાનું સ્વપ્ન પૂરું થયું છે.
બનાસકાંઠા જિલ્લામાં દાંતા અને અમીરગઢ તાલુકામાં આદિજાતિનું બાહુલ્ય જોવા મળે છે. આ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના અમલીકરણ અને લાભ થકી રોડ- રસ્તા, આવાસ, સિંચાઇ, શિક્ષણ , આરોગ્ય , પીવાનું પાણી વગેરે સગવડો માટેના કામો થયા છે. આદિજાતિ પરિવારો વર્ષોથી પરંપરાગત રીતે ડુંગરાળ વિસ્તારોમાં ઝુંપડપટ્ટી અને કાચાં મકાનોમાં રહેવા ટેવાયેલા છે. આ આવાસમાં ગરમી, ઠંડી અને ચોમાસામાં અનેક પ્રકારની મુશ્કેલીઓ અને તકલીફો વચ્ચે જીવન નિર્વાહ કરતા પરિવારો ભગવાન ભરોસે જીવતા હોય છે.
ત્યારે આવી મુશ્કેલીઓથી છુટકારો મળે એ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના આવા પરિવારો માટે આશીર્વાદ રૂપ બની છે. આ યોજનાથી આદિજાતિ પરિવારોને ઘરનું પાકું ઘર મળ્યું છે અને પાકા ઘરમાં રહેવાનું એમનું સ્વપ્ન પૂર્ણ થયું છે. ત્યારે આવાસ યોજનાના લાભાર્થીઓ સરકારનો આભાર માની ખુશીની લાગણી અનુભવી રહ્યા છે.
દાંતા તાલુકાના સોંઢોસી ગામના રાયસાભાઈ ઉદાભાઈ ડાભી પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી છે. આ યોજના હેઠળ તેમને ૧,૨૦,૦૦૦ રૂ.ની આવાસ સહાય મળી છે. જેના થકી આજે તેઓ પોતાનું નવીન પાકું આવાસ બનાવી શક્યા છે. સરકારનો આભાર વ્યક્ત કરતાં તેઓ જણાવે છે કે, સરકારની આ યોજના ન હોત તો અમે ક્યારેય પાકું મકાન ન બનાવી શક્યા હોત.
મેં તો આખી જિંદગી છાપરામાં, કાચા મકાનમાં વિતાવી પણ મારા બાળકો હવે પાકા ઘરમાં રહશે અને ભણશે. સરકારનો ખૂબ ખૂબ આભાર કે, અમારા જેવા વનવાસીઓની ચિંતા કરી અને અમને પાકા ઘર મળે એ માટે રૂપિયા આપ્યા.
જ્યારે રાયસાભાઈના ધર્મપત્ની ગંગાબેન ડાભી જણાવે છે કે, પરણીને આવી ત્યારથી તાડપત્રી અને નળિયાં વાળા ઘરમાં રહું છું, સરકારે મકાન બનાવવા રૂપિયા આપ્યા અને અમારે ય પાકું મકાન બન્યું. હવે અમારી જિંદગી સારી થશે અને અમારા બાળકો પણ નવા ઘરમાં રહશે એમ જણાવતાં એ સરકારની આ યોજના અમારા માટે આશીર્વાદ હોવાનું જણાવે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ બનાવવા માટે આવાસ દીઠ લાભાથીને રૂ. ૧,૨૦,૦૦૦/- ની સહાય મળવાપાત્ર છે. આ ઉપરાંત રૂ. ૧૨,૦૦૦/- સુધીની વધારાની સહાય સ્વસ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ આપવામાં આવશે. તેમજ મનરેગા યોજના સાથે કન્વર્ઝન કરી ૯૦ દિવસની મજુરી પેટે આવાસ બાંધકામ માટે રૂ. ૨૧,૫૧૦/- સુધીની વધારાની સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત છ માસમાં આવાસ પૂર્ણ થાય તો રૂ. ૨૦,૦૦૦/- ની આવાસ પ્રોત્સાહક સહાય આપવામાં આવશે. આમ કુલ રૂ. ૧,૭૨,૬૧૦/- સહાય મળવાપાત્ર થાય છે.
અંબાજી પ્રહલાદ પૂજારી