કપિલ પટેલ દ્વારા અરવલ્લી
આકરુન્દ આદર્શ પ્રાથમિક શાળા ખાતે આવેલ સંદેશ લાઈબ્રેરીમાં વિદ્યાર્થીઓ માટે વ્યાખ્યાન યોજાયું જેમાં પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ અને ડૉ.મેહુલભાઇ શાહ ઉપસ્થિત રહ્યા હતા
આકરુન્દ આદર્શ પ્રાથમિક શાળા ખાતે આવેલ લાઈબ્રેરી માં વિદ્યાર્થીઓ માટે પ્રેરણા પરબ વ્યાખ્યાન માળા અંતર્ગત વ્યાખ્યાન યોજાયું હતું.સંદેશ લાઈબ્રેરી -શ્રી દેવેન્દ્ર પટેલ સાહિત્ય કક્ષ અને આકરુન્દ આદર્શ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે આયોજિત પ્રેરણા પરબના મુખ્ય વક્તા તરીકે વાત્રક હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.સાથે જેઓના આશીર્વાદ અને પ્રેરણાથી લાઈબ્રેરીની વિવિધ પ્રવૃતિઓ થઈ રહી છે એવા આદરણીય પદ્મ શ્રી દેવેન્દ્રભાઈ પટેલ પણ વ્યસ્તતા વચ્ચે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી. ડૉ.મેહુલભાઈ શાહ એ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ખૂબ સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ખૂબ ઓછા સમયમાં ડૉ.મેહુલભાઈ શાહની ઉમદા સેવાઓ થકી વાત્રક હોસ્પિટલને નવી ઓળખ પ્રાપ્ત થઈ છે. તેઓએ વ્યાખ્યાનમાં રીડિંગની વિવિધ ટેકનિક્સ થિયરી અને પ્રિપરેશન પ્લાનિંગ વિશે ઉદાહરણ સહિત વિસ્તૃત માહિતી આપી હતી. જે વિદ્યાર્થીઓ માટે ચોક્કસ આશીર્વાદ રૂપ સાબિત થશે.તેઓએ અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ વિદ્યાર્થીઓ માટે સમય ફાળવ્યો એ બદલ ઈશ્વરભાઈ પ્રજાપતિ એ હૃદયપૂર્વક આભાર માન્યો હતો.