અમદાવાદ: દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, એર માર્શલ વિક્રમસિંહ અને એરફોર્સ ફેમિલીઝ વેલ્ફેર એસોસિએશન (પ્રાદેશિક)ના પ્રમુખ ડૉ. (શ્રીમતી) આરતીસિંહ 09 ફેબ્રુઆરી 2023ના રોજ જેસલમેરના એરફોર્સ સ્ટેશન ખાતે દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC)ના કમાન્ડરોની પરિષદમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. જેસલમેરમાં તેમના આગમન વખતે જેસલમેરના એરફોર્સ સ્ટેશનના સ્ટેશન કમાન્ડર, ગ્રૂપ કેપ્ટન પ્રેમ આનંદ અને એરફોર્સ ફેમિલીઝ વેલ્ફેર એસોસિએશન (સ્થાનિક)ના પ્રમુખ શ્રીમતી વૃંદા પ્રેમ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પરિષદ સ્ટેશન કમાન્ડરોને તેમના કમાન્ડ હેડક્વાર્ટર ખાતે વરિષ્ઠ અધિકારીઓ સાથે કામગીરી, જાળવણી અને વહીવટી બાબતો પર વિચારવિમર્શની જરૂર હોય તે અંગે અભિપ્રાયોનું આદાનપ્રદાન કરવા માટેનો એક મંચ છે. પરિષદના દિવસ દરમિયાન એર પાવર અને પરિચાલન અંગેની સજ્જતા પર અતિથિ દ્વારા વક્તવ્યોનું આયોજન કરવામાં આવ્યું હતું.
એરફોર્સ ફેમિલીઝ વેલ્ફેર એસોસિએશન (પ્રાદેશિક)ના પ્રમુખ ડૉ. (શ્રીમતી) આરતીસિંહે AFFWA (સ્થાનિક) દ્વારા સંગીનીઓના લાભાર્થે હાથ ધરવામાં આવતી વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓની કામગીરીની સમીક્ષા કરી હતી અને વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓ માટે જરૂરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમણે SWACના શ્રેષ્ઠ મેડિકેર સેન્ટર સાથે ત્રણ અલગ અલગ શ્રેણીમાં બેસ્ટ એર ફોર્સ સ્કૂલના વિજેતાઓને ટ્રોફી પણ એનાયત કરી હતી.