ભારતીય સંસ્કૃતિમાં ઉત્સવોનું ખૂબ જ મહત્વ છે. ઉત્સવો જીવનમાં ભક્તિ, આનંદ અને ઉત્સાહનો સંચાર કરાવે છે. આ ઉત્સવોમાં શિરમોર કહી શકાય એવા ઉત્સવનું પર્વ એટલે દીપાવલી પર્વ અને નૂતન વર્ષ. ભગવાનની કૃપાથી સર્વે નિરામય સ્વાસ્થ્ય, સુખ, પરમ શાંતિ તથા પરમ કલ્યાણ પામે એવી પ્રાર્થના સાથે ભાવનગરના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, અક્ષરવાડી ખાતે પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે દીપોત્સવી પર્વ અનેકવિધ કાર્યક્રમો સાથે ભવ્યતા અને દિવ્યતા પૂર્વક ઉજવાશે.
દીપોત્સવી પર્વ અંતર્ગત તા. ૨૧.૧૦.૨૨ શુક્રવારે એકાદશીનો ઉત્સવ સાંજે ૬.૩૦ કલાકે ઉજવાશે. તા. ૨૨.૧૦.૨૨ ધનતેરશના દિવસે ચોપડા પૂજનની નોંધણી થશે. તા. ૨૩.૧૦.૨૨ રવિવાર આસો વદ ચત્તુર્દશીના દિવસે સાંજે ૫.૦૦ કલાકે વેદોક્ત વિધિ પૂર્વક શ્રી હનુમાનજીનું પૂજન થશે તેમજ ૫.૩૦ કલાકે રવિ સત્સંગ સભાનો લાભ પ્રાપ્ત થશે .
તા. ૨૪.૧૦.૨૨ સોમવાર પ્રકાશના પર્વ દીપાવલીના દિવસે સાંજે ૫.૩૦ કલાકે વેદોક્ત વિધિ પૂર્વક ઠાકોરજી સમક્ષ પૂજ્ય સંતોના સાનિધ્યમાં શારદા પૂજન, ચોપડા પૂજન થશે. ભાવનગરના શહેરીજનો ખૂબ મોટી સંખ્યામાં પોતાના ધંધા, રોજગાર, ઉદ્યોગ ભગવાન અને સત્પુરુષના આશીર્વાદથી નૂતન વર્ષમાં ખૂબ સારા થાય એવી શુભ ભાવનાથી ચોપડા પૂજનમાં જોડાય છે. ચોપડા પૂજન બાદ સાંજે ૭.૩૦ કલાકે મંદિરના પ્રાંગણમાં મહા આરતીનું આયોજન છે. તા. ૨૫.૧૦.૨૨ ના રોજ સૂર્યગ્રહણ છે.
તા. ૨૬.૧૦.૨૨ બુધવારે પ્રારંભ થતાં સંવત ૨૦૭૯ના નૂતન વર્ષની ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી થશે. જેમાં સવારે ૫.૪૫ કલાકે મંગળા આરતી, ૬.૦૦ કલાકે મહાપૂજા, ૭.૧૫ કલાકે શણગાર આરતી થશે. નૂતન વર્ષે સવારે ૧૦.૦૦ કલાકે મંદિરમાં ઠાકોરજી સમક્ષ વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરવામાં આવશે, થાળ ગાન થશે તથા ૧૦.૩૦ કલાકે સંતો, હરિભક્તો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં અન્નકૂટ આરતી થશે. આ ભવ્ય અન્નકૂટ દર્શનનો લાભ નગરજનોને સાંજના ૭ કલાક સુધી થશે. ઉપરોક્ત કાર્યક્રમોનો લાભ લેવા અક્ષરવાડી મંદિર દ્વારા સ્નેહ પૂર્વક આમંત્રણ છે.