સ્વચ્છતાની ખાસ ટીમો માં અંબાના ધામને ચોખ્ખું ચણાક કરવાની નેમ સાથે અંબાજી સહિતના આસપાસના રસ્તાઓની કરશે સફાઈ
પૂનમનો મેળો માં અંબાના આશીર્વાદથી સુખરૂપ સંપન્ન થયો છે. 25 લાખ જેટલા માઇ ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો છે. ત્યારે મેળા દરમિયાન અને મેળા બાદ યાત્રાધામ અંબાજીની પવિત્રતા અને સ્વચ્છતા જળવાય એ પ્રકારનું આયોજન વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે ભાદરવી પૂનમના મેળા બાદ બે દિવસ માટે અંબાજી અને અંબાજીને જોડતા રસ્તાઓની સાફ સફાઈ માટે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
માં અંબાના ધામમાં 5 થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા મેળામાં 25 લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આટલી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટતો હોય ત્યારે સ્વચ્છતા પણ જરૂરી છે. જેના માટે કલેકટરશ્રી આનંદ પટેલ દ્વારા યાત્રાધામની પવિત્રતા અને સ્વચ્છતા જળવાય એ માટે મેળા દરમિયાન અને મેળા બાદ પણ સફાઈ અંગેની ખાસ તકેદારી રાખી તેમના સીધા માર્ગદર્શન હેઠળ સ્વચ્છતાનું ખાસ આયોજન કરાયું હતું.
સમગ્ર મેળા દરમિયાન સ્વચ્છતા કામગીરીમાં 700 જેટલા કર્મચારીઓ જોડાયા હતા જેમણે મેળા દરમિયાન યાત્રાધામ અંબાજીને સ્વચ્છ રાખવાની સુંદર કામગીરી બજાવી હતી. અને મેળા બાદ પણ બે દિવસ સ્વચ્છતાની કામગીરી કરી યાત્રાધામ અંબાજીને ચોખ્ખું ચણાક કરવાની નેમ સાથે સ્વચ્છતા ઝુંબેશને સફળ બનાવશે.
અંબાજી પ્રહલાદ પૂજારી