અમદાવાદ: ગુજરાતના ઉમેદવારો માટે અગ્નિવીરની ભરતી માટે 16 ફેબ્રુઆરી 2023 થી 15 માર્ચ 2023 સુધી ઑનલાઇન નોંધણી ખુલ્લી છે. 17 ½ થી 21 વર્ષની ઉંમરના ઉમેદવારો તેમાં અરજી કરી શકે છે. ITI ક્વૉલિફાઇડ, NCC, રમતગમતના ઉમેદવારો માટે બોનસ માર્ક્સની વિશેષ જોગવાઇ રાખવામાં આવી છે.
આ વર્ષથી પ્રથમ પગલાં તરીકે ઑનલાઇન કોમન એન્ટ્રન્સ એક્ઝામ (CEE) લેવામાં આવશે. સમગ્ર ભારતમાં 176 સ્થળોએ 17 એપ્રિલ 2023 થી 04 મે 2023 દરમિયાન ઑનલાઇન CEE લેવાનું આયોજન છે. ગુજરાત માટે નિર્ધારિત ઑનલાઇન કોમન એન્ટ્રન્સ એક્ઝામ (CEE)ના કેન્દ્રો અમદાવાદ/ગાંધીનગર, વડોદરા, આણંદ, મહેસાણા, સુરત, જામનગર અને રાજકોટ છે.
ઉમેદવારો પાસે પરીક્ષાનું સ્થળ પસંદ કરવા માટે પાંચ વિકલ્પો હશે અને તેમને તે પસંદગીના વિકલ્પોમાં પરીક્ષાનું સ્થળ ફાળવવામાં આવશે. આ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત પરીક્ષા રહેશે.
ઉમેદવારો પોતાને કોમ્પ્યુટર આધારિત પરીક્ષાથી પરિચિત કરી શકે તેમાં મદદરૂપ થવા માટે, ‘હાઉ ટુ રજીસ્ટર’ (કેવી રીતે નોંધણી કરાવવી) અને ‘હાઉ ટુ અપીઅર ઇન ઑનલાઇન એન્ટ્રન્સ એક્ઝામ’ (કેવી રીતે ઑનલાઇન પ્રવેશ પરીક્ષા આપવી) વિષય અંગેના શૈક્ષણિક વીડિયો તૈયાર કરવામાં આવ્યા છે અને www.joinindianarmy.nic.in વેબસાઇટ અને યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યા છે.