જિલ્લા કલેક્ટરશ્રીએ ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અપીલ કરી
આણંદ, બુધવાર :: વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્યથી સતત ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આણંદના ખંભાત તાલુકામાં આવેલ બામણવા ગામ ખાતે પહોંચ્યો હતો. જે અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીની ઉપસ્થિતિમાં બામણવા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને દરેક જરૂરીયાતમંદ વ્યક્તિને તેનો લાભ પહોંચાડવાનો છે તેમ જણાવ્યું હતું.
તેમણે વધુમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગામે ગામ ફરી રહ્યો છે અને લોકો સુધી સરકારની યોજનાકીય માહિતી અને લાભ પહોંચાડી રહ્યો છે. વિવિધ મીડીયાના માધ્યમો થકી પણ લોકો સુધી માહિતી પહોંચી રહી છે. આ યાત્રાનો મુખ્ય હેતુ સરકારની યોજનાઓનું ૧૦૦ ટકા અમલીકરણ થાય, દરેક પાત્રતા ધરાવતી વ્યક્તિ સુધી સરકારી યોજનાઓનું લાભ પહોંચાડવાનો છે તેમ વધુમાં ઉમેર્યું હતું.
મહાનુભાવોના હસ્તે વિવિધ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ- બાળકોને પ્રમાણપત્ર, તેમજ વિવિધ સરકારી યોજનાઓ હેઠળ ગ્રામજનોને લાભ-સહાય આપવામાં આવ્યાં હતાં. ગામની મહિલાઓને પોષણયુક્ત ટી.એચ.આર. પેકેટ તથા ગામના ટી.બી.ના દર્દીને પોષણ કીટ આપવામાં આવી હતી.
કાર્યક્રમના પ્રારંભમાં વિકસિત ભારત માટેનો સંકલ્પ વિડીયો, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો રેકોર્ડેડ વિડિયો સંદેશ રજૂ કરવામાં આવ્યો હતો. શાળાની વિદ્યાર્થીનીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત ધરતી કહે પુકાર કે કૃતિ રજૂ કરવામાં આવી હતી.
ગ્રામજનોને અનેકવિધ યોજનાઓના લાભ સરળતાથી મળી રહે તે હેતુથી કાર્યક્રમ સ્થળે વિવિધ વિભાગોના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતાં જેની કલેક્ટરશ્રી અને અન્ય મહાનુભાવો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી, પ્રાંત અધિકારીશ્રી નિરૂપા ગઢવી, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સહિત અન્ય સંબંધીત વિભાગના અધિકારી-કર્મચારીશ્રી, અગ્રણી સર્વશ્રી સંજય પટેલ, મયુર રાવલ અને વિવિધ યોજનાઓના લાભાર્થીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયાં હતાં.
રિપોર્ટ ભૂમિકા પંડયા આણંદ