અંબાજી: બનાસકાંઠાના અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં ગુજરાત પોલીસની અતિ મહત્વની ભૂમિકા જોવા મળી છે અને મેળાના નિયંત્રણ માટે બનાસકાંઠા જિલ્લા પોલીસના આ કાર્યની લોકો દ્વારા સરાહના થઈ રહી છે. આવો જાણીએ આ વિશેષ અહેવાલમાં.
ગુજરાતનો પ્રખ્યાત અંબાજી ખાતેનો ભાદરવી પૂનમનો મેળો એટલે દેશભરમાંથી માં અંબાના દર્શને આવતા સંઘ અને ભક્તોના ઘોડાપુરનું અંબાજી ખાતે આગમન. દેશભરમાંથી પગપાળા લોકો માં અંબાના દર્શને આવે છે ત્યારે તેમના સંચાલન અને સુરક્ષાની સૌથી વધુ જવાબદારી પોલીસ વિભાગની રહેતી હોય છે.
અંબાજીમાં ટ્રાફિક, કોઈ અનિચ્છનીય બનાવ કે ઘટના, ચોરી લૂંટફાટ કે ભક્તોને કોઈ અગવડતા ન થાય તે સંચાલન કરવાનું કાર્ય જિલ્લા પોલીસના હાથમાં હોય છે ત્યારે ભાદરવી પૂનમના મેળામાં ઠેર ઠેરથી પોલીસ અધિકારીઓ અને કર્મીઓ અહીં અંબાજી ખાતે ઉતરી પડે છે અને લોકોની સેવા અને સંચાલનમાં જોડાય છે. ખાસ કરીને બનાસકાંઠાના પોલીસ અધિક્ષકની આગેવાની અને માર્ગદર્શન હેઠળ અંબાજીમાં આવતા તમામ દ્વાર પર પોલીસ અધિકારીઓ અને કર્મીઓ ખડેપગે સઘન સુરક્ષા અને સેવામાં ઉભા રહેતા જોવા મળે છે. ખાસ કરીને દર વખતે ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વિકટ રહેતી હોય છે પરંતુ આ વખતે સરકાર, વહીવટી તંત્ર અને પોલીસના સંકલનથી આમાંથી છુટકારો જોવા મળ્યો છે
શહેરથી અંદાજે 5 કિમિ દૂર બહાર જ કાર્ય વગરના ટ્રાફિક અટકાવી દેતા અંબાજી શહેરમાં આવતા જ ભક્તને સ્મિત સાથે શાંતિ થી દર્શન કરવાનો અહેસાસ ચહેરા પર જોવા મળે છે. આ વખતે અંબાજી આવતા ત્રિશૂળીયા ઘાટમાં ગ્રીન નેટનો ઉપયોગ કરી થતા અકસ્માત રોકી શકાય અને ભક્તો સહકુશળ દર્શને પહોંચે તે માટે અદભુત વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી છે.
અંબાજીના મુખ્ય દ્વારો પર, છાપરી બોર્ડર પર પોલીસ દ્વારા બહારથી આવતા વાહનોનું સઘન ચેકીંગ રાત દિવસ સજ્જ બની કરવામાં આવી રહ્યું છે. ઠેર ઠેર જગ્યાઓ પર પોલીસ સહાયતા કેન્દ્રો સ્થાપિત કરી લોકોને પૂરતી સેવા અને મદદ પોલીસ કરી રહી છે. 51 શક્તિપીઠ સર્કલ ખાતે ખાસ પોલીસ કન્ટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે જ્યાંથી આખા અંબાજીનું સંચાલન અને મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે તેમજ ખૂણે ખૂણે વ્યવસ્થા જાળવવા નિયમન કરવા માટે ખાસ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી બાજ નજર રાખવામાં આવી રહી છે.
અંબાજી મંદિરની વાત કરીએ તો મંદિરમાં ભક્તોનો ઘસારો વધતો જોતા તેમને દર્શન કરી આગળ વધારવા માટે પોલીસ અધિકારીઓ જોશ અને જુસ્સા સાથે ભક્તોની સાથે ભક્તિમય બનતા જોવા મળી રહ્યા છે. બોલ મારી અંબે જય જય અંબે ના ઘોષ સાથે ભક્તો સાથે લિન બની ઝૂમતા અધિકારીઓ માં અંબાના દર્શને આવતા ભકતોનો ઉત્સાહ વધારતા હસતા મોંએ આગળ વધારવા માટે જણાવતા જોવા મળી રહ્યા છે.
કોઈ પણ અગવડ જણાતા તાત્કાલિક તેને સગવડ રૂપે રૂપાંતર કરવા માટે દરેક પોલીસ કર્મી સજ્જ જોવા મળી રહેલ છે. મંદિર પરિસરમાં પોલીસ દ્વારા ચુસ્ત પહેરો રાખી આવનાર ભક્તોને યોગ્ય દિશા અને માર્ગદર્શન મળી રહે તે સાથે વ્યવસ્થામાં જોડાયા છે. ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આ સરાહનીય કાર્યને ભકતો દ્વારા પણ સારો પ્રતિસાદ સાંપડેલ છે અને તેઓ આ નિયમન અને સંચાલન માટે પોલીસની કામગીરીને વખાણી રહ્યા છે.
જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણા ખુદ જાતે પેટ્રોલિંગ દ્વારા વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ તમામ પરિસ્થિતિની માહિતી મેળવી રહ્યા છે. જેમ જેમ પૂનમ નજીક આવી રહી છે તેમ તેમ લાખોની સંખ્યામાં ભક્તોનો પ્રવાહ અંબાજી તરફ વધી રહ્યો છે ત્યારે અંબાજી ખાતે ગુજરાત પોલીસનું કાર્ય ખરેખર પ્રસંશાને લાયક જોવા મળ્યું છે. જેમના સંચાલન થકી ભકતો શાંતિ, સુરક્ષા, અને સેવાના ભાવરૂપે માં અંબાના દર્શન કરી નિશ્ચિન્ત ધન્યતા અનુભવી રહ્યા છે. ગુજરાત પોલીસના સરાહનીય કાર્યને સલામ છે.