અંબાજી, સંજીવ રાજપૂત: તા. 23 સપ્ટેમ્બરથી શરૂ થયેલા ભાદરવી પૂનમના મહામેળામાં સ્વચ્છતાના સૈનિકો તરીકે સેવા આપીને મેળાને સ્વચ્છ- સુંદર બનાવનાર સફાઇકર્મીઓનું બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના હસ્તે મોહનથાળનો પ્રસાદ અને પ્રશસ્તિપત્ર આપી સન્માન કરાયું હતું.
શક્તિપીઠ અંબાજી ખાતે સફાઇ અભિયાનમાં જોડાઇને અવિરત સેવા આપી મા અંબાની પવિત્ર ભૂમિને સ્વચ્છ અને સુંદર રાખવાની પવિત્ર અને ઉત્તમ સેવાની નોંધ લઇ જિલ્લા પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંદિરના ચાચર ચોકમાં સફાઈ કર્મીઓએ ઢોલના તાલે ગરબે રમી માતાજીને ધજા ચડાવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીએ મેળાની સફાઇ કામગીરી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીને બિરદાવી તેમનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, માતાજીની કૃપા અને મારું સૌભાગ્ય છે કે મેળાની સફાઈ કામગીરીનો મને બીજીવાર અવસર મળ્યો છે.
તમે અંબાજીને સ્વચ્છ રાખવા અમારા મહેમાન તરીકે અહીં આવી માતાજીના ધામમાં ખુબ સુંદર સેવા કરી છે. મેળામાં અમદાવાદના સફાઇકર્મીઓએ અંબાજીમાં જે રીતે સારામાં સારી સફાઇની કામગીરી કરી છે તેના માટે સમગ્ર વહીવટી તંત્ર વતી તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.
સફાઇકર્મીઓએ પોતાની સેવાની કદર બદલ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરી માતાજીના દર્શન કરી ભાવવિભોર બન્યા હતા. આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે. કે. ચૌધરી અને નિકુંજ પરીખ સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તાલુકા પંચાયતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.