અમદાવાદ, સંજીવ રાજપૂત: કહેવાય છે કે અંગદાન એ મહાદાન છે..મૃત્યુ બાદ પણ જીવતા રહેવાનું ભગીરથ કાર્ય.. એક એવું કાર્ય જે થકી અનેક લોકોના જીવનમાં ખુશીનું માધ્યમ બની શકાય છે..જીંદગી ખુલ્લા દિલથી જીવનારા લોકોમાં કેટલાંક જ લોકો એવા હોય છે જે મૃત્યુને પણ શાનથી અપનાવવા તૈયાર હોય છે આવું જ એક નામ એટલે ભાનુશંકર લક્ષ્મીશંકર ભટ્ટ..પરોપકારની ભાવનાથી વણેલા આ વ્યક્તિત્વે આજે 83 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. પરંતુ તે સાથે મૃત્યુનો શોક નહીં પરંતુ દેહદાન અને ચક્ષુદાન થકી અન્યોના જીવનમાં ખુશહાલી વહેંચતા ગયા..
નામ ભાનુશંકર લક્ષ્મીશંકર ભટ્ટ.. પરોપકારની નિસ્વાર્થ ભાવનાથી વણેલા સમાજના એક સન્માનીય વ્યક્તિ..એક એવા વ્યક્તિ જેમણે જીંદગીની ફોરમ અનેક ક્ષેત્રોમાં અનેક વ્યક્તિઓમાં ફેલાવી.. ખુલ્લા દિલથી જીંદગીને સ્વીકારતું એક અનોખું વ્યક્તિત્વ.. જેમને 83 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવતા આ ફાની દુનિયાને અલવિદા કહ્યું..ગુજરાત સરકારમાં એ.જી.ઓફિસમાં ક્લાસ 2 અધિકારીના એક ઉચ્ચ હોદ્દા પર ફરજ નિભાવનાર કર્મનિષ્ઠ કર્મચારી..
કાર્યને સમર્પિત રહેવાની કળા તો તેમને આરએસએસમાં જોડાયા ત્યારથી જ હતી અને આ જ ગુણ સાથે તેઓ સુપરિટેન્ડેન્ટના ઉચ્ચ હોદ્દા પરથી રિટાયર્ડ થયા.. હિન્દુત્વની વિચારધારાને વરેલા ભાનુશંકર ભટ્ટ હંમેશા જીવનમાં નવા-નવા અભિગમને સ્વીકારવાની મહેચ્છા સાથે આગળ વધ્યા ..
પરંતુ અનિચ્છિંત જીવનમાં મૃત્યુ જ પરમ સત્ય છે આ વાત તેઓ સારી રીતે જાણી ગયા હતા.. વધતી ઉંમરની અસરોને ધ્યાને લઇને ભાનુશંકર ભટ્ટે પરિવારજનો સામે ઇચ્છા વ્યક્ત કરી હતી કે મારા મૃત્યુ બાદ મારા દેહનું દાન કરજો.. એટલે જીંદગીને મોજથી જીવનારા ભાનુશંકર ભટ્ટે મૃત્યુને પણ તહેવારની જેમ ઉજવવાનો નિર્ધાર કર્યો હતો.. જે આજે તેમના મૃત્યુ બાદ પરિવારજનોએ પરિપૂર્ણ કર્યો..
ભાનુશંકર ભટ્ટના મોટા પુત્ર દેવાંગ ભટ્ટ જે એક ન્યૂઝ ચેનલમાં હેડ છે અને નાના પુત્ર ભાવેશ ભટ્ટ જે રાજીવ હાઉસમાં સેલ્સ ઓફિસર છે તેમણે પિતાશ્રીની ઇચ્છાને માન આપ્યું.. નગરી હોસ્પિટલમાં ચક્ષુદાન કરાયું અને બીજે મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલમાં દેહદાન કરાયું.. વ્યસનમુક્ત જીવનના તપ સાથે સમાજસેવાનું ભગીરથ કાર્ય .જીવનમાં આવા ઉત્તમ વિચારોને આધારે જીવનને હંકાવનાર ભાનુશંકર ભટ્ટે મોતને પણ ઉત્સવ બનાવવાનો નિર્ધાર કર્યો હતો જે પરિવારજનોએ પૂર્ણ કર્યો છે.
કારણ કે કહેવાય છે કે અંગદાન એ મહાદાન છે..મૃત્યુ બાદ પણ જીવતા રહેવાનું ભગીરથ કાર્ય.. એક એવું કાર્ય જે થકી અનેક લોકોના જીવનમાં ખુશીનું માધ્યમ બની શકાય..
ભાનુશંકર ભટ્ટ પણ આજે કોઇની આંખોમાં,કોઇના દિલના ધબકારા સાથે તેમના પરિવારજનોના ચહેરા પર સ્મિત દ્વારા હંમેશા હયાત રહેશે કારણ કે તેમના એક નિર્ણયથી મૃત્યુનો શોક નહીં અન્યોના જીવનમાં ખુશહાલી પ્રસરી છે.. આ પરોપકારી આત્માને વંદન સાથે શ્રદ્ધાંજલિ.