કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના હસ્તે ભૂતા રૂગનાથ શાળા નં. ૧૧ અને ૧૨ માં ૧૩૮ ભૂલકાઓનું ધોરણ-૧ માં નામાંકન
૦૦૦૦૦૦૦૦૦
પહેલાં ધોરણથી જ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની શરૂઆત-ડેપ્યુટી મેયરશ્રી કૃણાલકુમાર શાહ
૦૦૦૦૦૦૦૦૦૦
સમગ્ર રાજ્યમાં આજરોજ શરૂ થયેલ ૧૭ માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨ નો રાજ્યવ્યાપી શુભારંભ થયો છે. જે અન્વયે ભાવનગરમાં કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના હસ્તે ભૂતા રૂગનાથ શાળા નં. ૧૧ નાં ૬૮ અને શાળા નં. ૧૨ નાં ૭૦ ભૂલકાઓ એમ બંને શાળાનાં મળી કુલ ૧૩૮ નું નામાંકન ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં કરાવવામાં આવ્યું હતું.
કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે અને ડેપ્યુટી મેયરશ્રી કુણાલકુમાર શાહે શૈક્ષણિક કીટ આપીને બાળકોનો હર્ષભેર શાળા પ્રવેશ કરાવ્યો હતો.
ઉપરાંત આંગણવાડીનાં બાળકોને ચિત્રપોથી અને કલર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે ધોરણ ૩ થી ૮ ના તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યાં હતાં.
કલેક્ટરશ્રીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, શિક્ષણની શરૂઆત એ જીવનના બીજા તબક્કાની શરૂઆત છે. આથી તેને યાદગાર બનાવવા રાજ્ય સરકારે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી છે. શાળાકીય શિક્ષણનું સ્તર ઉંચું જાય અને શાળા મંદિર બને,
બાળકોના ઉત્સાહમાં વૃધ્ધિ થાય તે માટે રંગબેરંગી વાતાવરણમાં બાળકોને પ્રવેશ અપાવવા માટે મુખ્યમંત્રીથી માંડીને મંત્રીશ્રીઓ અને અધિકારીઓ ગામડામાં જઇને બાળકોને પ્રવેશ કરાવી રહ્યાં છે.
ડેપ્યુટી મેયરશ્રી કુણાલકુમાર શાહે જણાવ્યું હતું કે, બાળકોનો સર્વાંગી વિકાસ પહેલાં ધોરણથી જ શરૂ થળ જાય છે. આ તેની શૈક્ષણિક કારકિર્દીનું પ્રથમ પગથીયું છે. ત્યારે તેને હરખથી વધાવવાં માટે આજે સમગ્ર ગામ વાજતે- ગાજતે તેનો પ્રવેશ કરાવવાં માટે હાજર છે. તે સમાજમાં શિક્ષણ માટે આવેલી જાગૃતિનું દ્યોતક છે.
આ કાર્યક્રમમાં કોર્પોરેટરશ્રી નીતાબેન બારૈયા, કોર્પોરેટરશ્રી રતનબેન વેગડ, કોર્પોરેટરશ્રી ભરતભાઇ ચુડાસમા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યશ્રી સંજયભાઈ બારૈયા, બી. આર. સી. શ્રી કલ્પેશભાઈ પંડ્યા, શાળા નં. ૧૧ નાં આચાર્ય શ્રી હિતેશભાઈ જોશી, શાળા નં. ૧૨ નાં આચાર્ય શ્રી સંગીતાબેન રમોલિયા તેમજ કીટનાં દાતા આનંદ નગર એસ.બી.આઈ. બેન્કનાં મેનેજરશ્રી રોહિતભાઈ તેમજ શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર