સુરત, સંજીવ રાજપૂત: ભારતીય જનતા પાર્ટી એક માત્ર રાજકીય પક્ષ છે જેને વિકાસના વિઝન સાથે સંસ્કારથી સંપન્ન કાર્યકર્તા આધારભૂત સંગઠન મળ્યું છે. – શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા
ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ નિમિત્તે રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયાના વિધાનસભા મત વિસ્તારમાં સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં “સક્રિય સદસ્યોનું સંમેલન”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી તથા કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયાએ કાર્યકર્તા મિત્રો સામે ઉદ્દબોધન કરતાં જણાવ્યું કે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વમાં “વિકસિત ભારતથી વૈશ્વિક ભારત” તરફ દ્રુતગતિએ આગળ વધી રહ્યું છે. આ યાત્રામાં “રાષ્ટ્ર પ્રથમ” ની ભાવનાથી શોભિત ભારતીય જનતા પાર્ટી, પોતાના કાર્યકર્તાઓની નિષ્ઠા, શિસ્ત અને સમર્પણ દ્વારા આજે વિશ્વની સૌથી મોટી લોકશાહી સંગઠન બની છે. આ કાર્યકમ દ્વારા સંગઠનના સુદૃઢ રુપને વધુ મજબૂત બનાવતો સંકલ્પ લેવાયો અને કાર્યકર્તાઓમાં નવી ઉર્જા સંચારિત કરવામાં આવી.
વધુમાં ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી એક માત્ર રાજકીય પક્ષ છે જેને વિકાસના વિઝન સાથે સંસ્કારથી સંપન્ન કાર્યકર્તા આધારભૂત સંગઠન મળ્યું છે. સંગઠન એ આપણા રાજકીય જીવનની આત્મા છે અને કાર્યકર્તા એ આપણા સૌના યથાર્થ શક્તિસ્રોત છે. ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પાયામાં કાર્યકર્તાની પ્રતિબદ્ધતા અને લોકસેવાના સંકલ્પ પર નિર્ભર છે. આવા કાર્યક્રમો સતત સંગઠન શક્તિને નવી દિશા આપે છે અને ભવિષ્યની જીત માટે પાયાનું કામ કરે છે.
આ સક્રિય સભ્યોના સંમેલનમાં પ્રદેશના વક્તા તરીકે નવસારી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને નવસારી લોકસભાના સંયોજક અશોકભાઇ ધોરાજીયા, સુરત મહાનગર અધ્યક્ષ પરેશભાઈ પટેલ, સુરત જિલ્લા ભાજપ પ્રભારી શ્રીમતી ઉષાબેન પટેલ, સુરત મહાનગર ભાજપ પ્રભારી શ્રીમતી શીતલબેન સોની, શહેર મહામંત્રીઓ કિશોરભાઈ બિંદલ તથા કાળુભાઈ ભીમનાથ, કામરેજના પદાધિકારીઓ સહિત ટીમ કામરેજ, વિવિધ કમિટીઓના ચેરમેનઓ, કારોબારી સભ્યઓ, વોર્ડ મંડળના પદાધિકારીઓ, કોર્પોરેટરઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ, ભૂતપૂર્વ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે સંગઠનને મજબૂત કરવાની દૃષ્ટિએ આ કાર્યક્રમ કાર્યકર્તાઓ માટે માર્ગદર્શક તથા પ્રેરણાદાયી સાબિત થયો.