જામનગર: બહુજન વિકાસ સંઘ તથા સમસ્ત વાલ્મિકી સમાજના ઉપક્રમે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં સમસ્ત વાલ્મિકી સમાજના દ્વિતીય સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ પ્રભુતામાં પગલા માંડનાર ૧૬ નવ દંપતિઓને આશીર્વચન પાઠવી રૂ.૨૫૦૦૦ની રોકડ રકમનું અનુદાન કર્યું હતું. તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રૂ.૨૫૦૦૦ની રકમ ભેંટ સ્વરૂપે આપી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સમસ્ત વાલ્મિકી સમાજના સમૂહલગ્નોત્સવનું ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે. આ તકે હું તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું. વર્ષો પહેલા ડૉ. બાબા સાહેબ આંબેડકરે સમાજના પછાત વર્ગના લોકોને શિક્ષિત, સક્ષમ અને સંગઠિત બનાવવા માટે હાંકલ કરી હતી. વાલ્મિકી સમાજે એક તાંતણે બંધાઈને સારી રીતે બીજી વખત સમૂહ લગ્નોત્સવ યોજ્યા છે. તે બદલ બહુજન વિકાસ સંઘ તથા સમસ્ત વાલ્મિકી સમાજને અભિનંદન પાઠવું છું.
આ સમૂહલગ્નોત્સવમાં મેયર શ્રીમતી બિનાબેન કોઠારી, અગ્રણી શ્રી વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી મનીષભાઈ કટારિયા, પૂર્વ ધારાસભ્યો શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, શ્રી લાલજીભાઇ સોલંકી, કોર્પોરેટરશ્રીઓ ગીતાબા જાડેજા, શ્રી જશુબા ઝાલા, શ્રી શોભનાબેન પઠાણ, શ્રી આનંદભાઈ રાઠોડ, શ્રી નીલેશભાઈ કગથરા, શ્રી મુકેશભાઈ માતંગ, સમસ્ત વાલ્મિકી સમાજના પ્રમુખ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.