Latest

રાજકોટ સિવિલ ખાતે નવનિર્મિત કેથલેબ-કાર્ડિયોલોજી વિભાગ ખુલ્લો મુકતા રાજ્યના મુખ્યમંત્રી

જીએનએ રાજકોટ: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલમાં રૂપિયા ૧૦ કરોડના ખર્ચે બનેલ નવીન કેથલેબ – કાર્ડિયોલોજી વિભાગને ખુલ્લો મૂક્યો હતો.

આ વિભાગની શરૂઆત સાથે સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને હવે હદય રોગની સારવાર રાજકોટ થી જ મળતી થશે અને અમદાવાદ સુધી આવવાની જરૂર નહિ પડે. પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અન્વયે રાજ્ય સરકાર અંતર્ગત સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યમાં સૌ પ્રથમ આવી કેથલેબ રાજકોટમાં શરૂ થઈ છે.
આગામી સમયમાં સુરત અને ભાવનગર માં પણ આ સુવિધા મળતી થવાની છે.

આ તકે મુખ્યમંત્રીએ કેથલેબ વિભાગમાં ઉપલબ્ધ સુવિધાઓનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું તેમજ કાર્ડિયોલોજિસ્ટ મનદીપ ટીલાળા પાસેથી દર્દીઓને ઉપલબ્ધ કરાવાયેલી સુવિધા અને સારવાર સંબંધિત વિગતવાર માહિતી મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ કચ્છના દર્દીઓને નિઃશુલ્ક સારવાર પુરી પાડતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પી.એમ.એસ.એસ.વાય. બિલ્ડીંગમાં પાંચમા માળે સુપર સ્પેશ્યાલિટી હ્રદય રોગ વિભાગમાં અતિ આધુનિક કેથ લેબ તેમજ 2D ઇકો સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઇ છે, જે સૌરાષ્ટ્ર – કચ્છનાં હ્રદયરોગના દર્દીઓ માટે આશીર્વાદ સમાન બની રહેશે. આ અતિ આધુનિક કેથ લેબમાં એન્જીયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, પેસમેકર સહિત હૃદય સંબંધિત અન્ય તમામ બીમારીઓનું નિદાન તેમજ સારવાર આયુષ્માન કાર્ડ અંતર્ગત વિનામૂલ્યે કરવામાં આવશે.

હૃદય વિભાગની આ આગવી સુવિધાઓ અંગે સિવિલ અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અહીં કોરોનરી એન્જીયોગ્રાફિ, એન્જિયોપ્લાસ્ટી, હૃદયની નળીઓની દૂરબીન વડે તપાસ, હૃદયના પમ્પિંગમાં સુધારો કરવા માટેનું ડીવાઈસ, કોરોનરી ધમનીઓમાં સંકુચિત સ્ટેનોસિસ કેટલું ખરાબ છે તે શોધવા માટેની પ્રક્રિયા, હ્રદય સંબંધિત ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં નિદાન સહિત સારવારની સુવિધા ઉપલબ્ધ બનશે.

કેથલેબ વિભાગના સુચારુ સંચાલન અર્થે નિષ્ણાત કાર્ડિયોલોજીસ્ટ, કાર્ડિયોવાસ્ક્યુલર થોરેસિક સર્જન સહિત રેસિડેન્ટ ડોક્ટર, મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ, લેબોરેટરી સ્ટાફ સહિતની ટીમ ફરજ પર કાર્યરત રહેશે.

આ તકે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, સાંસદ રામભાઈ મોકરિયા, મેયર ડો. પ્રદીપ ડવ, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, કલેકટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, સિવિલ અધિક્ષક ડો.આર.એસ. ત્રિવેદી, પીડીયુ મેડિકલ કોલેજ ડીન ડો.ભારતીબેન પટેલ સહિત વરિષ્ઠ અધિકારીઓ, અગ્રણી રાજુભાઈ ધ્રુવ, ડો. અમલાણી, ડૉ. ચિંતન મહેતા, રાજકોટ સિવિલ હોસ્પિટલના અગ્રણી ડોક્ટરો તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

કેથલેબ- કાર્ડિયોલોજી વિભાગમાં ડિજીટલ મેમોગ્રાફી સીસ્ટમ, કમ્પ્યુટરાઈઝ્ડ રેડિયોગ્રાફી યુનિટ, ટી.એમ.ટી મશીન, કાર્ડિયોવાસ્ક્યુલર ઇલેક્ટ્રોફોરેસીસ અને રેડીયોફ્રિકવન્સી એબલેશન સીસ્ટમ, ૧૨ ચેનલ ઈ.સી.જી. મશીન, OCT & FR ઇન્ટિગ્રેટેડ સીસ્ટમ, હાઇ એન્ડ ઇકોકાર્ડિયોલોજી સીસ્ટમ, પોર્ટેબલ ઇકોકાર્ડિયોલોજી સીસ્ટમ, ઇકોકાર્ડિયોગ્રાફી સીસ્ટમ વીથ એડવાન્સ 2D ફેસીલીટી, સિંગલ પ્લેન કાર્ડિયોવાસ્ક્યુલર કેથેરીસેશન વીથ ડિજીટલ સબટ્રેકશન એનજીઓગ્રાફી લેબ, 3D મેપિંગ, પોર્ટેબલ કલર ડોપલર, 800 mA ડિજીટલ એક્સ-રે યુનિટ વીથ સિંગલ ડિટેક્ટર (ફ્લોર માઉનટેડ), કલર ડોપલર સીસ્ટમ 40, ફ્લેક્સિબલ સીસ્ટો નેફરોસ્કોપ, જનરલ સર્જરી ઇન્સ્ટ્રુમેન્ટ સેટ, મોબાઈલ સી-આર્મ ઇમેજ ઇન્ડેનસિફિયર, ઇન્ટ્રાઓપરેટીવ ન્યૂરોફિઝીયોલોજિકલ મોનિટરિંગ સીસ્ટમ, ટપ સિસ્ટોસ્કોપર & ઓપ્ટિકલ યુરેથ્રોટોમ, ન્યુરોસર્જીકલ ઓપરેટિંગ માઇક્રોસ્કોપ, હાઇસ્પીડ ઇલેક્ટ્રિકલ ડ્રીલ સીસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *