Latest

આનંદ, ઉત્સાહ અને ભક્તિભર્યા માહોલમાં કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલના હસ્તે અંબાજી ભાદરવી પૂનમ મહામેળાનો વિધિવત પ્રારંભ

ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવવાની ધારણાને લઇને તંત્ર દ્વારા વ્યાપક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ:–કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલ

મા અંબા ના ધામ અંબાજી ખાતે આજથી આનંદ, ઉત્સાહ અને ભક્તિભર્યા માહોલમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલના હસ્તે ભાદરવી પૂનમના મહામેળાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો.

વિશ્વ પ્રસિદ્વ યાત્રાધામ અંબાજી ખાતે તા. 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાઇ રહેલા ભાદરવી પૂનમના મહામેળાનો આજે અંબાજી ખાતે દાંતા રોડ ઉપર વેન્કેટેશ માર્બલ નજીક કલેકટરશ્રીએ શ્રીફળ વધેરી માતાજીના રથ ને થોડેક સુધી દોરીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સમયે ઉપસ્થિત પદયાત્રિકોએ માતાજીના ગગનચૂંબી જયઘોષ કર્યા હતા.

ત્યારબાદ કલેક્ટરશ્રી સહિત મહાનુભાવોએ સેવા કેમ્પમાં શાસ્ત્રોક્ત રીતે ભક્તિભાવથી માતાજીની પૂજા- અર્ચના કરી મેળાની સફળતા માટે અને લાખો માઇભક્તોની અંબાજીની યાત્રા સુખરૂપ નિવડે એ માટે માતાજીને પ્રાર્થના કરી હતી.

આ પ્રસંગે મિડીયાને માહિતી આપતાં કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે, આજથી સાત દિવસીય અંબાજી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થયો છે. આ મેળામાં દૂર દૂરથી પદયાત્રા કરીને ખુબ મોટી સંખ્યામાં માઈભક્તો અંબાજી આવવાની શરૂઆત થઈ ગઈ છે. મેળામાં આવતા માઈભક્તોની સેવામાં ખરા ઉતરવા અમને માતાજી શક્તિ આપે તેવી માતાજીને પ્રાર્થના કરી છે. તેમણે કહ્યું કે ભાદરવી પૂનમનો મેળામાં  લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવવાની ધારણાને લઇને તંત્ર દ્વારા વ્યાપક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

મેળામાં આવતા લાખો યાત્રિકોને વિનામૂલ્યે ભોજન મળી રહે એ માટે 3 જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત દિવાળી બા ભવન, ગબ્બર તળેટી અને અંબિકા ભોજનલયમાં વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજી, ગબ્બર અને રસ્તાઓ ઉપર વિસામો, આરોગ્ય, વીજળી, પીવાનું પાણી, સુરક્ષા, પરિવહન અને પાર્કિંગ સહિત તમામ વ્યવસ્થાઓ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ બનાવાઇ હોવાનું કલેક્ટરશ્રીએ જણાવ્યુ હતું.

અંબાજી ભાદરવી મેળો શરૂ થતા અંબાજી તરફના તમામ રસ્તાઓ રાત- દિવસ યાત્રિકોથી ભરચક રહેશે. અંબાજી વિસ્તારના ડુંગરાઓમાં જાણે નવી ચેતનાનો સંચાર થશે. દિવસે થોડી ગરમી, રાત્રે ઠંડક અને હરિયાળા વાતાવરણમાં માઇભક્તો જય અંબે…ના જયઘોષ સાથે અંબાજી પંહોચી રહ્યા છે. રસ્તાઓ ઉપર વિવિધ સેવાકેન્દ્રોની સુવિધા અને સ્વંયસેવકો, સંચાલકોની કામગીરી સરાહનીય છે.

ભાદરવી મહામેળાના પ્રારંભ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, ઇ. ચા. પોલીસ અધિક્ષકશ્રી તેજસ પટેલ, મદદનીશ કલેકટરશ્રી સ્વપ્નિલ સિસલે, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સુશ્રી સિદ્ધિબેન વર્મા સહિત અધિકારીઓ અને હજારો માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૫ સપ્ટેમ્બર, રવિવારના રોજ રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે

ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે…

1 of 553

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *