ધારાસભ્ય-સંસદસભ્યની ગ્રાન્ટમાંથી ગામમાં નાનકડું છતવાળું એસટી બસસ્ટેન્ડ બની ન શકે!
ગાંધીનગર નજીક જ ધારીસણા ગામમાં એસટી બસ સ્ટેન્ડનો અભાવ, બેસવા બાંકડો પણ નથી…!
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ધારીસણા ગામમાંથી મોટી સંખ્યામાં લોકો ધંધો, રોજગાર, વ્યવસાય અને નોકરી માટે અમદાવાદ, તથા ગાંધીનગર અવર જવર કરે છે. જાહેર પરિવહન સેવાની અસટી બસનો તેવો ઉપયોગ કરે છે.
વર્ષોથી એસ.ટી બસો અવર જવર કરતી હોવા છતાં અને સ્થાનિક લોકોની માંગ તેમ છતાં આ જ દીન સુધી એસ.ટી બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું નથી. એસ.ટી બસ સ્ટેન્ડની વાત તો દુર પરંતુ મુસાફરોને બેસવા માટે એક બાંકડો પણ મુકવામાં આવ્યો નથી. વીવીઆઇપીની વિઝીટમાં બસો ફાળવાય છે, મુસાફરો હેરાન થાય છે. કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે.
પરંતુ જેના થકી એસ.ટી બસને આવક થાય છે, તે મુસાફરો માટે એક બાંકડાની સુવિધા પણ નિગમ દ્વારા પૂરી પાડવામાં આવી નથી. તેને લઇને સ્થાનિકોમાં અને મુસાફરોમાં કચવાટની લાગણી જોવા મળી રહી છે.
સરકારે ફાઇવ સ્ટાર એસ.ટી બસ મથકો બનાવ્યા છે, જેને એરપોર્ટની જેમ બસપોર્ટ એવું નામ આપવામાં આવ્યું છે. સ્થાનિકોની લાગણી છે કે, એસટી મુખ્ય મથકો ભલે એરપોર્ટ જેવા ઝાકમઝોળ અને ભભકાદાર બનાવ્યા પરંતુ અમારા ગામમાં એસ.ટી બસ સ્ટેન્ડ બનાવે તોય અમારા માટે તે એરપોર્ટ સમાન બની રહેશે.
કેમ કે અમારે બસ સ્ટેન્ડના અભાવે ગરમીમાં, ચોમાસામાં, ઠંડીમાં ખુલ્લામાં જાહેર રસ્તા પર ઉભા રહેવું પડે છે.
ગામ લોકોની એવી પણ માંગણી છે કે, જો નિગમની તૈયારી હોય સ્થાનિક ધારાસભ્યના ભંડોળમાંથી કે પછી સંસદસભ્યની ગ્રાન્ટમાંથી સ્ટેન્ડ બનાવવા અમારી રજુઆત છે. અમે અમારા જન પ્રતિનિધીઓ સમક્ષ આ અંગે રજુઆતો કરી છે.
ચૂંટણીનો સમય છે તેથી સરકારે તેને ધ્યાનમાં રાખી અમારી આ નાનકડી માંગણી પૂરી કરે તો રોજે રોજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ, નોકરીયાતો, સ્વ-રોજગારી કરતી મહિલાઓ વગેરેને હેરાન પરેશાન થવું ન પડે. અને એક સુવિધા મળશે તો ચૂંટણીમાં તેના આર્શિવાદ પણ મળશે.