બનાસકાંઠા, એબીએનએસ: લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ દરમિયાન ચાલુ ફરજે કર્મચારીનું અવસાન થતા બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી વ જિલ્લા કલેકટર મિહિર પટેલના હસ્તે કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે કર્તવ્યનિષ્ઠ શિક્ષક સ્વ.રાજાભાઇ હિરાભાઇ પટેલના ધર્મપત્ની અને પરિવારજનોને રૂ.૧૫ લાખનો ચેક અર્પણ કરીને આર્થિક સહાય અપાઈ હતી.
દિલથી સંવેદના વ્યક્ત કરતા જિલ્લા કલેકટરએ સ્વ.રાજાભાઇ પટેલના ધર્મપત્ની અને દીકરા સાથે વાર્તાલાપ કર્યો હતો. જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, સ્વ.રાજાભાઈએ મદદનીશ ઝોનલ તરીકે ચૂંટણીમાં ઉત્તરદાયિત્વપૂર્ણ અને શ્રેષ્ઠ કામગીરી કરી હતી તેમની સરકારી સેવાઓને હમેંશા યાદ રાખવામાં આવશે.
સ્વ.રાજાભાઇ હિરાભાઇ પટેલ મોટામેડા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અંતર્ગત પટેલ સ્વ.રાજાભાઇ હિરાભાઇને મદદનીશ ઝોનલ તરીકેની નિમણુક આ૫વામાં આવેલ હતી. ચૂંટણી અન્વયેની ફરજ બજાવતા તા.ર૩.૦૩.૨૦૨૪ના રોજ થાવર પે સેન્ટર ખાતે જતા રસ્તામાં હૃદય રોગનો હુમલો આવતા તેઓનું ફરજ દરમ્યાન અવસાન થયું હતું.
ચૂંટણી ફરજ દરમિયાન સબંધિત કર્મચારીનું અવસાન થતા બનાસકાંઠા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી,ગાંધીનગર ખાતે દરખાસ્ત કરતા, ભારતના ચૂંટણીપંચની પ્રર્વતમાન જોગવાઇઓ અનુસાર સ્વ.પટેલ રાજાભાઇ હિરાભાઈના વારસદાર ધર્મપત્ની વારીબેન રાજાભાઇ પટેલને રૂ.૧૫ લાખની સહાય ચૂંટણીપંચ દ્વારા ચૂકવાઇ હતી. આ સહાય મંજૂર કરાવવા બાબતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બી.જી.નિનામા, નાયબ મામલતદાર ડી.ડી.સેખલિયા સહિતના અધિકારીઓએ કામગીરી કરીને સહાય ચૂકવવામાં ફરજ બજાવી હતી.