ભાવના શાહ દિવ
વિશ્વ સુપ્રસિદ્ધ ગંગેશ્વર મહાદેવના મંદિરે હજારો ની સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા..
સંઘ પ્રદેશ દીવના દરિયા કિનારા પર પાંડવો દ્વારા સ્થાપિત ભગવાન ગંગેશ્વર મહાદેવ બિરાજી રહ્યા છે, વિશ્વનુ એક માત્ર એવું મંદિર છે કે જ્યાં ખુદ મેરામણ મહાદેવને અભિષેક કરવા માટે જાણે કે તલપાપડ બનતા હોય તે પ્રકારે 5 શિવલિંગ પર સતત મેરામણનો અભિષેક જોવા મળે છે. આ શિવલિંગને સમુદ્ર દ્વારા થતા અભિષેકને કારણે દુર્લભ માનવામાં આવે છે. શ્રાવણ મહિનાના પહેલા સોમવારે આજે દિવના સ્થાનિકોની સાથે પર્યટકો પણ ગંગેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.
દીવ એક પર્યટક સ્થળ હોવાને કારણે બારેમાસ પર્યટકોથી ભરપૂર રહે છે પરંતુ ખાસ કરીને શ્રાવણ માસમાં ગંગેશ્વર મહાદેવના દર્શન માટે હજારોની સંખ્યામાં લોકો ગંગેશ્વર મહાદેવ ને રિઝવવા માટે અહીં આવતા હોય છે. દિવ થી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે આવેલા મલાળા ગામની અંદર સમુદ્ર તટ પર સ્થિત આ મંદિરમાં દરિયાદેવ ખુદ સતત મહાદેવને જળાભિષેક કરતા જોવા મળે છે.આ પ્રકારના અભિષેક થતો હોય તેવા શિવ મંદિર ભારત વર્ષમાં જોવા મળતું નથી. જેને કારણે દીવમાં આવેલું ગંગેશ્વર મહાદેવ મંદિર શિવભક્તોમાં ભારે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે.
એક કથા પ્રમાણે વનવાસ દરમિયાન પાંડવોએ પોતાના કદ અને ઉંમર પ્રમાણે પાંચ શિવલિંગો સ્થાપિત કરી હતી.
આથી દીવના સમુદ્ર તટ પર આવેલા મહાદેવ ગંગેશ્વર મહાદેવ તરીકે સમગ્ર જગતમાં પૂજવામાં આવી રહ્યા છે. શ્રાવણ મહિનામાં એક સાથે 5 શિવલિંગનો અભિષેક કરવાનું જે અહોભાગ્ય શિવ ભક્તોને દીવના ગંગેશ્વર મહાદેવ આપી રહ્યા છે, તેને કારણે દીવના ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે દેશ અને દુનિયાના યાત્રિકો અહિયા આવી રહ્યા છે અને દુર્લભ ગણાતા શિવ મંદિરના દર્શન કરીને શિવમય બનતા જોવા મળી રહ્યા છે.,