રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
વર્તમાન સમયમાં લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે ટેવાયેલા છે. ત્યારે કેટલાક ઈસમો લોકો સાથે ટેકનોલોજીની મદદથી પણ છેતરપિંડી કરી રહ્યા છે. ત્યારે આવી જ ઘટના સુરતમાં સામે આવી છે કે જ્યાં એક ડોક્ટરે ઓનલાઇન ગેમની એક એપ્લિકેશન બનાવીને 1,01,470 જેટલા લોકોને આ એપ્લિકેશન પોતાના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરાવી લોકો સાથે છેતરપિંડી કરી હતી અને હવે પોલીસ દ્વારા આ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે.
સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં એક ઓનલાઇન છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો. જેમાં આરોપી પોલીસથી બચવા માટે ભાગતો ફરતો હતો. ત્યારે ખટોદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે પ્લેસ્ટોર પર બિગ વિનર નામની એપ્લિકેશન મૂકીને 1,01,470 જેટલા લોકોને આ એપ્લિકેશન પોતાના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરાવી લોકો સાથે ઓનલાઇન છેતરપિંડી કરતા આરોપી ડોક્ટરની ધરપકડ કરી છે.
આ ડોક્ટરનું નામ નવીન દેવાણી છે અને તે નાના વરાછાના યોગીચોકમાં આવેલ ક્રિસ્ટલ લક્ઝરીયામાં રહે છે. આરોપીએ બિગ વિનર નામની જે એપ્લિકેશન play storeમાં મૂકી હતી. જેમાં લોકો સ્પીન કરીને પૈસા કમાશે તેવી લાલચ આપવામાં આવી હતી અને સ્પીન કરવા માટે પહેલાં લોકોને આ એપ્લિકેશનમાં પૈસા એડ કરવાના હતા અને ત્યારબાદ જ્યારે લોકો સ્પીન કરીને કોઈ પણ ગિફ્ટ જીતતા હતા તો તે ગિફ્ટ અથવા તો રકમ વ્યક્તિને પરત મળતી ન હતી અને આ રીતે ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનેલા વ્યક્તિ દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે આ ગુનામાં ભાગતા ફરતા ડોક્ટર નવીન દેવાણીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
મહત્વની વાત છે કે, આરોપી 1,01,470 જેટલા લોકોને બીગ વિનર નામની એપ્લિકેશન મોબાઇલમાં ઇન્સ્ટોલ કરાવી હતી. જો કે આગામી દિવસોમાં પોલીસ પૂછપરછમાં જ સામે આવશે કે આરોપી દ્વારા કેટલા લોકો સાથે કેટલા રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.