ગાંધીનગર, સંજીવ રાજપૂત: યમુનાએ યમને રાખડી બાંધી અને દ્રૌપદીએ કૃષ્ણને રાખડી બાંધીને રક્ષાના અભયદાન માંગ્યા હતા, એવી યશોભૂમિ ભારતમાં ભાઈ બહેનની અને બહેન ભાઈની હરહંમેશથી રક્ષા કરતા આવ્યા છે.
આધુનિક અને મોડર્ન ગણાતી એકવીસમી સદીમાં પણ ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને એકમેકની દરકાર લેવાના, રક્ષા કરવાના પ્રસંગો આપણી આસપાસ મળી જ આવે છે.
ગાંધીનગરમાં રહેતા કિરણભાઈ પટેલ ભરૂચમાં ફર્ટિલાઇઝર કંપનીમાં નોકરી કરતા હતા. બે વર્ષ પહેલા તેઓ કિડનીની ગંભીર બીમારીમાં સપડાયા. તબીબોએ કિડની ફેલ થઈ હોવાના દુઃખદ સમાચાર આપ્યા. અને કિડની ટ્રાન્સલેટનો અભિપ્રાય આપ્યો.
કિડની ખરાબ થવાને કારણે કિરણભાઈના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. તેમનો દીકરો અને દીકરી કે જેઓ બંને ઓસ્ટ્રેલિયામાં રહે છે તેઓ ખૂબ ચિંતિત થઈ ગયા હતા કિરણભાઈના ધર્મપત્ની પણ સતત પ્રભુને પ્રાર્થના કરતા હતા. પરિવારના મોભી પર આવી પડેલી આ અણધારી આ બધા સામે લડવા માટે પરિવાર માનસિક રીતે તૈયાર ન હતો.
આ ઘેરા આઘાતની પરિસ્થિતિ વચ્ચે કિરણભાઈ પટેલ માટે ચાર બહેનો આશાનું કિરણ અને રક્ષાનું કવચ બનીને આગળ આવી.
કિરણભાઈ પટેલ કિડનીનું દાન મળે તેની રાહ જોઈ ડાયાલિસિસ પર જીવન વ્યતિત કરવા લાગ્યા હતા. આ વાતની ખબર જ્યારે તેમની ચારેય મોટી બહેનોને ખબર પડી ત્યારે આ તમામ બહેનોએ પોતાના નાનાભાઈને કિડની આપવા માટેની રાજીખુશીથી સામેથી તૈયારી દર્શાવી.
જે નાના ભાઈને ઘરના આંગણામાં તેડી તેડીને રમાડ્યો હોય તે ભાઈ પર આવી અણધારી પીડા આવી પડે ત્યારે બહેનો કેવી રીતે એ સહન કરી લેવાની હતી !
સૌથી મોટા બહેન કેનેડા હતા તેઓ તરત ભારત આવ્યા અને રિપોર્ટ કરાવ્યા, પરંતુ તેઓની મોટી ઉંમર અને બ્લડ પ્રેશરની તકલીફ હોવાના કારણે તબીબોએ તેમની કિડની લેવાની મંજૂરી આપી નહીં.
ત્રીજા નંબરના બહેને રિપોર્ટ્સ કરાવ્યો ત્યારે ખબર પડી કે તેમને તો જન્મજાત એક જ કિડની છે. અને ચોથા બહેનને પગમાં તકલીફ હોવાને કારણે તેઓ આંશિક દિવ્યાંગ છે એટલે તેઓની પણ કિડની લઈ શકાય નહીં.
અંતે બીજા નંબરના મોટા બહેન સુશીલાબેનની કીડની મેચ થતાની સાથે જ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
કિરણભાઈ કહે છે કે, સુશીલા બહેનની સાથે મારા બનેવી ભુપેન્દ્રભાઈ પણ હંમેશા મારી જોડે આવતા. બહેનના રિપોર્ટ્સ કરાવતી વખતે તેઓ અમને ભાઈ બહેન બંનેને હિંમત આપતા અને સમજાવતા. મારી બહેને મને કિડની આપી તેમાં મારા બનેવીનો પણ એટલો જ સધિયારો અને સહકાર જવાબદાર છે.
૫૮ વર્ષના સુશીલાબેન પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવે છે કે, બહેન એના ભાઈનું દુઃખ કેવી રીતે જોઈ શકે ! અમને ખબર પડતા જ અમે ચારેય બહેનો કિડની આપવા તૈયાર થઈ ગયા હતા. મારે કિડની આપવાની છે એવું નક્કી થયું ત્યારે મારી સાસરીમાં આખાય પરિવારે મને સપોર્ટ કર્યો છે.
અમદાવાદની સરકારી કિડની હોસ્પિટલ (IKDRC)માં કિડની ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન કરાવ્યા બાદ છેલ્લા દોઢ વર્ષથી કિરણભાઈ પટેલ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદની સરકારી કિડની હોસ્પિટલ IKDRC માં છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે ૨૦ બહેનોએ ભાઈને કિડની આપી છે અને, ૦૩ ભાઈઓએ બહેનને કિડની આપીને ભાઈ બહેનના પવિત્ર સંબંધને યથાર્થ બનાવ્યો છે.
ચાર બહેનો વચ્ચે એકના એક ભાઈ કિરણભાઈ પટેલની રક્ષા કાજે સહુ બહેનોએ દર્શાવેલો સ્નેહ અને કીડની આપવાની તૈયારી સમાજ માટે પ્રેરણા રૂપ કિસ્સો છે.